Mumbai Airport પરથી 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ કરી મુસાફરી, જાણો આંકડા?
મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં મોખરે રહ્યું હતું. મુંબઈ એરપોર્ટ પરથી અંદાજે ૫૪.૮ મિલિયન પ્રવાસીઓએ અહીંથી મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રાફિક હતો.
જોકે, આ ૨૦૨૩ની સરખામણીમાં ૬.૩ ટકા અને કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯ની તુલનામાં ૧૯.૪૧ ટકા વૃદ્ધિ થઇ છે. મુંબઈ એરપોર્ટ પર ૩.૪૬ લાખ એર ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) નોંધાયા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૩.૨ ટકા વધુ છે.
૨૧ ડિસેમ્બરના રોજ એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ મુસાફરો નોંધાયા હતા, જેમાં ૧.૧૬ લાખ સ્થાનિક અને ૫૨,૮૦૦ આંતરરાષ્ટ્રીય પ્રવાસી સહિત અંદાજે ૧.૭૦ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.
ડિસેમ્બર ૫.૦૫ મિલિયન મુસાફરો સાથે સૌથી વ્યસ્ત મહિનો રહ્યો હતો, જેમાં ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ૩.૪ ટકાની વૃદ્ધિ થઇ છે. વધુમાં, એરપોર્ટે ડિસેમ્બરમાં ૮,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક મૂવમેન્ટ સાથે એક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું, અને વૈશ્વિક ટ્રાવેલ હબ તરીકે તેની સ્થિતિ મજબૂત કરી હતી.
આ પણ વાંચો : Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ
મુંબઈ-દિલ્હી રૂટ સમગ્ર વિશ્વમાં સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોમાંનો એક છે, ૧૮ ટકા હિસ્સા સાથે મુંબઈથી દિલ્હી ટોચનું સ્થાનિક ગંતવ્ય રહ્યું છે. એ જ રીતે બેંગલુરુ અને ગોવાનો અનુક્રમે ૧૧ ટકા અને ૭ ટકા હિસ્સો રહ્યો છે.
બીજી બાજુ, દુબઈ ૧૬ ટકા બજાર હિસ્સા સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળોની યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ લંડન અને અબુ ધાબી દરેક ૭ ટકા પર છે. મધ્ય પૂર્વ વિસ્તાર ૪૮.૮ ટકા ટ્રાફિક સાથે મુસાફરોની પહેલી પસંદ રહ્યો, ત્યાર બાદ એશિયા-પેસિફિક ૨૮.૨ ટકા અને યુરોપ ૧૪.૫ ટકાએ રહ્યું છે.
૨૦૨૪માં સીએસએમઆઈએએ તેના નેટવર્કનું પણ વિસ્તરણ કર્યું, તાશ્કંદ અને અલમાટી જેવા આંતરરાષ્ટ્રીય માર્ગો અને દેવઘર, રાજમુન્દ્રી, તિરુપતિ, અયોધ્યા અને વિજયવાડા જેવા સ્થાનિક સ્થળોની ફ્લાઇટ શરૂ કરી હતી. એરપોર્ટે નોક એર, થાઈ વિયેટ જેટ, સલામ એર, ઉઝબેકિસ્તાન એરવેઝ અને એર અસ્તાના સહિતના અગ્રણી કેરિયર્સનું પણ સ્વાગત કરી વૈશ્વિક મુસાફરી માટે પસંદગીના પ્રવેશદ્વાર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવી છે.