મતદાર યાદીમાં ‘અનિયમિતતા’ સામે ઠાકરે ભાઈઓ અને શરદ પવાર વિપક્ષની વિરોધ રેલીનું નેતૃત્વ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિત મહા વિકાસ આઘાડીના સાથી પક્ષોના ટોચના નેતાઓ મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે મુંબઈમાં વિપક્ષના પહેલી નવેમ્બરની વિરોધ રેલીનું નેતૃત્વ કરશે.
ઠાકરે પિતરાઈ ભાઈઓ અને પવારે ગુરુવારે અહીં વાય. બી. ચવ્હાણ ખાતે એક બેઠક યોજી હતી જેથી ભવ્ય સંયુક્ત રેલીની વિગતો નક્કી કરી શકાય, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાન, શેતકરી અને કામદાર પક્ષ (પીડબ્લ્યુપી)ના જયંત પાટિલ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : મતદાર ફેર તપાસણીને શિંદે સેનાનું સમર્થન
બેઠક બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા, શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે જણાવ્યું હતું કે વિરોધ રેલી દક્ષિણ મુંબઈની ફેશન સ્ટ્રીટથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) મુખ્યાલય સુધી કાઢવામાં આવશે. તે બપોરે એક થી ચાર વાગ્યા દરમિયાન યોજાશે. તેમણે કહ્યું કે વિરોધ રેલીને કારણે નાગરિકોને કોઈ તકલીફ નહીં પડે.
રાજ્યમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સહિત સમગ્ર વિપક્ષી નેતૃત્વ આ રેલીમાં ભાગ લેશે. આ શાંતિપૂર્ણ રીતે યોજાશે અને મત ચોરી અને મતદાર યાદીઓમાં અનિયમિતતા જેવા મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે, એમ શિવસેના (યુબીટી)ના નેતાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની મતદાર યાદીમાં બનાવટી મતદાર અંગે રાજ ઠાકરેએ લગાવ્યો નવો આરોપ, ચૂંટણી યોજવા કર્યા ગંભીર સવાલ…
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે કહ્યું છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને સંચાલિત કરતા કાયદાઓ કે નિયમોમાં વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ) મશીનોના ઉપયોગ માટે કોઈ જોગવાઈ નથી. તેનો ઉલ્લેખ કરતાં પરબે કહ્યું હતું કે વિપક્ષ ચૂંટણીપંચના નિવેદનનો અભ્યાસ કરી રહ્યું છે.
કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે ચૂંટણી પંચનો તર્ક યોગ્ય નથી કારણ કે 2017માં નાંદેડ વાઘલા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વીવીપેટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ દલીલનો કોઈ આધાર નથી, એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ સંયુક્ત વિરોધ રેલીના સંપૂર્ણપણે સમર્થનમાં છે કારણ કે આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા પોતે ઉજાગર કરવામાં આવ્યો હતો. સાવંતે કહ્યું કે, પાર્ટીનું નેતૃત્વ મોરચામાં ભાગ લેશે, પરંતુ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ તેમાં હાજરી આપશે કે કેમ તે અંગેના સવાલને ટાળી દીધો હતો.



