મુંબઇમાં ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના માત્ર કાગળ પર..
મુંબઇઃ મુંબઇમાં વિવિધ વિકાસ કામો કરવાનો સરકાર દાવો કરે છે, પણ આ કામો હકીકતમાં કેટલા થયા છે તે તપાસનો વિષય છે. મુંબઇ જેવા રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના બનાવી હતી, જે માત્ર કાગળ પર જ છે, એમ લાગે છે.
હિંદુઓને સ્મશાનમભૂમિમાં બાળવામાં આવે છે, જેને કારણે વાયુ પ્રદૂષણ, જંગલના કિંમતી લાકડાનો નાશ જેવા પ્રશ્નો ઊભા થાય છે. એના ઉપાય તરીકે ઇલેક્ટ્રીક કે ગેસ આધારિત સ્મશાનગૃહો બનાવી શકાય છે. સ્મશાનભૂમિને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા 1,384 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેમ છતાં હજી સુધી વર્લી, શિવાજી પાર્ક, કુર્લા, મુલુંડ અને અન્ય સ્થળોની સ્મશાનભૂમિના કામ આંશિક રીતે જ પૂર્ણ થયા છે. સ્મશાનગૃહના કર્મચારીઓને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો કરોડનો ખર્ચ કરવા છતાં પણ મુંબઈગરાને સ્મશાનભૂમિમાં હાલાકીનો સામનો કરવો પડે છે. હવે આ વર્ષે મહાનગરપાલિકાએ બજેટમાં સ્મશાનભૂમિઓ માટે રૂ. 1,716 કરોડની જોગવાઈ કરી છે. આ ભંડોળ યોગ્ય રીતે ખર્ચવામાં આવે તેવી આશા મુંબઈગરાઓ વ્યક્ત કરી રહ્યા છે.
એક તરફ મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને કારણે પર્યાવરણનું સંતુલન ઝડપથી બગડી રહ્યું છે, તો બીજી તરફ મ્યુનિસિપલ પ્રશાસન સ્મશાનોને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ગોકળ ગાયની ગતિએ પ્રયાસો કરી રહ્યું છે. મુંબઈમાં કુલ 52 હિંદુ સ્મશાનગૃહો છે, જેમાંથી માત્ર 28 સ્મશાનગૃહોમાં ગેસ અને ઇલેક્ટ્રિક સ્મશાન છે. નગરપાલિકાએ 10 સ્મશાનગૃહોને ઇલેક્ટ્રિક સ્મશાન અને 18 સ્મશાનને ગેસ સ્મશાનગૃહમાં પરિવર્તિત કર્યા છે.
મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. વધતા પ્રદૂષણને રોકવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદૂષણ ફેલાવતા પ્રોજેક્ટ્સ માટે 27 પ્રકારના નિયમો જારી કર્યા છે, તેમજ સ્મશાનગૃહમાં પ્રદૂષિત ટાયર સળગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ આજે પણ સ્મશાનગૃહમાં લાકડાનો ઉપયોગ થાય છે અને નગરપાલિકા દ્વારા પ્રદુષણ અટકાવવાના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે.
મૃતદેહના અગ્નિસંસ્કાર માટે લગભગ 300 કિલો લાકડાનો ઉપયોગ થાય છે. મ્યુનિસિપલ પ્રશાસને લાકડાનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણની જાળવણી માટે વીજળી અને એલપીજી લગાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં કુલ 201 સ્મશાનગૃહો છે, જેમાં હિંદુ, ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના મ્યુનિસિપલ અને ખાનગી એમ બંને પ્રકારના સ્મશાનગૃહોનો સમાવેશ થાય છે. જો કે, આમાંથી માત્ર 28 સ્મશાનગૃહોને જ વીજળી અને ગેસ આધારિત બનાવી ઇકો-ફ્રેન્ડલી કરવામાં આવ્યા છે. તેથી, મુંબઈમાં 100 ટકા ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહો માટેની મ્યુનિસિપલ પોલિસી હજુ કાગળ પર જ છે.