મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ...

મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં સ્યુએજ પાણી (ગંદા પાણી) પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ઊભા કરી રહી છે. એસટીપીમાંથી પાલિકા બાયોગૅસનું ઉત્પાદન કરવાની યોજના બનાવી બાહ્ય વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અને અન્ય ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવાના પ્રયાસ કરવાની છે. સાત એસટીપીમાંથી દરેકને લગભગ ૧૬ મેગાવોટરની જરૂર પડશે, જેમાંથી ૨૦ ટકા ઘરઆંગણે જ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે.

પાલિકા પોતાના સાત એસટીપીને અપગ્રેડ કરી રહી છે. આ એસટીપીથી પ્રોજેક્ટથી દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવામાં આવશેે. હાલમાં ખાડી, નદી અને અરબી સમુદ્રમાં પાણી છોડતા પહેલા ગંદા પાણીનું શુદ્ધિકરણ ફક્ત પ્રાથમિક સ્તરે જ કરવામાં આવે છે. અપગ્રેડેડ પ્લાન્ટમાં પ્રદૂષણ ઘટાડવા માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કડક ધોરણો અનુસાર સેકેન્ડરી(બીજા સ્તરનું) અને ટેરટીયરી (ત્રીજા સ્તરનું) શુદ્ધીકરણનો અમલ કરશે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટનું ફક્ત ૩૦થી ૪૨ ટકા કામ થયું છે.

એસટીપીમાં ૨,૪૬૪ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા થશે, તેમાંથી ૫૦ ટકા પાણી પ્રક્રિયા બાદ દરિયામાં છોડવામાં આવશે તો બાકીનું ૫૦ ટકા પાણી ઈંધણ કંપની, નેવી સ્પોર્ટ ક્લબ વગેરેને વેચવામાં આવશે. ભવિષ્યમાં કદાચિત ૧૦૦ ટકા પાણી પર પ્રક્રિયા કરીને તેને પીવા સિવાયના અન્ય કામ માટે વધતી લોકસંખ્યાના હિસાબે ૨૦૫૧ સુધી વાપરવાનું પાલિકાનું આયોજન છે.

નવા એસટીપીને કારણે દરિયાના પાણીની ગુણવત્તાની સાથે જ દરિયાઈ જીવનમાં સુધારણા થશે. તેમ જ એસટીપી પ્લાન્ટ અંતર્ગત પાણી પર પ્રક્રિયા બાદ છેવટે બાકી રહેલા કાદવ(ગાળ)માંથી ખાતર અથ્ાવા ઈંધણનું રૂપાંતર કરવાની પાલિકાની યોજના છે.

પાલિકા પ્રક્રિયા કરેલા પણ પીવા યોગ્ય નહીં રહેલા પાણીના વેચાણથી આવક પણ રળવાની છે. તે પ્રમાણે જ બાન્દ્રાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં બાળકોના માહિતી માટે નોલેજ સેન્ટરની સાથે મોટો બગીચો બનાવવામાં આવવાનો છે. તેમ જ દરિયાની દિશામાં એક વ્યુઈંગ ગેલેરી પણ બનાવવામાં આવવાની છે. બાન્દ્રાના પ્રોજેક્ટના ઠેકાણે મીઠી નદીના દૂષિત પાણી પર પણ પ્રક્રિયા કરવામાં આવવાની છે.

સ્યુએજ વોટરથી પાલિકાને આવક
કોલાબા પ્રોજેક્ટનું કામ પૂરું થયું હોઈ તે શરૂ થઈ ગયો છે. કોલાબા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી પર પ્રક્રિયા કર્યા બાદનું પાણી નેવીને ઓછા દરે વેચવામાં આવે છે. એક ખાનગી ક્લબને પણ પાણી વેચવામાં આવે છે. ઘાટકોપર એસટીપીમાંથી પ્રક્રિયા કરેલા પાણીને એચપીસીએલ જેવી ઈંધણ કંપનીને આપવામાં આવે છે. તેમાંથી પાલિકા પૈસા કમાઈ રહી છે.

એસટીપીમાં વીજનું ઉત્પાદન
સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઠેકાણે ગંદા પાણી પર પ્રક્રિયા કર્યા બાદ નિર્માણ થનારા બાયોગૅસમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવવાનું છે. સાત કેન્દ્રમાં આવશ્યક વીજળીની સરખામણીમાં ઓછામાં ઓછી ૨૦ ટકા વીજનું ઉત્પાદન કરવામાં આવવાનું છે. આ વીજળીનો ઉપયોગ એસટીપીમાં જ કરવામાં આવવાનો છે, તેનાથી વીજળીના ખર્ચમાં બચત થશે.

સાત એસટીપી ખર્ચ૧૭,૧૮૨ કરોડ રૂપિયા
પાલિકા સાત જગ્યાએ એસટીપી બનાવી રહી છે, જેમાં વરલીમાં પ્રતિદિન ૫૦૦ મિલ્યન લિટર પાણી પર પ્રક્રિયા થશે. આ પ્રોજેક્ટ પાછળ ૫,૯૯૫.૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હોઈ તે જુલાઈ ૨૦૨૭ સુધીમાં શરૂ થશે. બાન્દ્રા એસટીપીમાં પ્રતિ દિન ૩૬૦ મિલ્યન લિટર પાણી પર પ્રક્રિયા કરાશે. આ એસટીપી માટે ૪,૪૨૯.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને જુલાઈ ૨૦૨૭ સુધીમાં ચાલુ થશે. મલાડ એસટીપીમાં પ્રતિદિન ૪૫૪ એમએલડી પાણી પર પ્રક્રિયા થશે. આ એસટીપી માટે ૬,૬૦૦.૩૪ કરોડનો ખર્ચ થશે અને જુલાઈ ૨૦૨૮માં તે શરૂ થશે. ઘાટકોપરના એસટીપીમાં પ્રતિદિન ૩૩૭ એમએલડી પાણી પર પ્રક્રિયા થશે, તેના બાંધકામ પાછળ ૨,૬૩૬.૮૨ કરોડનો ખર્ચ થવાનો છે અને તે જુલાઈ ૨૦૨૬ સુધીમાં શરૂ થશે. ઘારાવીનો એસટીપી પ્રતિદિન ૪૧૮ મિલ્યન લિટર પાણી પર પ્રક્રિયા કરશે. આ એસટીપી પાછળ ૪,૭૭૬.૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ હોઈ તે જુલાઈ ૨૦૨૭માં તે પૂરો થશે. વર્સોવા એસટીપીમાં પ્રતિદિન ૧૮૦ મિલ્યન લિટર પાણી પર પ્રક્રિયા થશે અને પ્રોજેક્ટનો ખર્ચ ૧,૬૫૮.૫૧ કરોડ રૂપિયા છે અને જુલાઈ ૨૦૨૬માં તે પૂરો થશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button