આમચી મુંબઈટોપ ન્યૂઝ

રેડી રેકનરના દરમાં વધારાની સાઈડ ઈફેક્ટ પ્રોપર્ટી ટેક્સમાં ઝિંકાશે વધારો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈગરાને માથા પર ‘યુઝર ફી’ ઝીંકવાની તૈયારીમાં રહેલી મુંબઈ મહાનગરપાલિકા હવે પ્રોપટી ટેક્સમાં વધારો કરવાની તૈયારીમાં છે. રેડી રેકનર દરોમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારા બાદ પાલિકાના અસેસર એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટે પ્રોપર્ટી ટેક્સમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ પ્રસ્તાવ પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી સમક્ષ મંજૂરી માટે રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે નિયમ મુજબ પાલિકાએ દર પાંચ વર્ષે પ્રોપર્ટી ટેક્સના દરમાં સુધારો કરવો આવશ્યક છે. છેલ્લે પ્રોપર્ટી ટેક્સમાં ૨૦૧૫-૧૬માં વધારો કરવામાં આવ્યો હતો.

ઓકટ્રોય નાબૂદ થયા બાદ બાદ પાલિકા માટે પ્રોપર્ટી ટેક્સ આવક રળી આપનારો બીજો મોટો સ્રોત બની રહ્યો છે. જોકે તાજેતરના વર્ષોમાં પાલિકાની પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઘટાડો થયો છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાં થયેલા ઘટાડા માટે ૫૦૦ ચોરસ ફૂટ સુધીની રહેણાંક મિલકતને પ્રોપર્ટી ટેક્સમાંથી આપવામાં આવેલી છૂટ જવાબદાર છે. આ કારણથી પાલિકાને લગભગ ૪૬૨ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. વધુમાં પ્રોપર્ટી ટેક્સના દરમાં સુધારો ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષમાં થવાનો હતો, તે કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. ત્યારથી પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ કોઈને કોઈ કારણથી મુલતવી રહ્યો છે. એટલે કે લગભગ એક દાયકાથી મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સોમવારે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યભરમાં રેડી રેકનર રેટમાં ૪.૩૯ ટકાનો વધારો કર્યો છે. નવા દર પહેલી એપ્રિલથી લાગુ થશે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમે સુધારેલા રેડી રેકનર દરના આધારે પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરી છે. પ્રોપર્ટી ટેક્સમાં પ્રસ્તાવિત વધારો ૧૦થી ૧૨ ટકા સુધીનો રહેશે. એક વખત પાલિકા કમિશનર તરફથી મંજૂરી મળી જાય પછી આ પ્રસ્તાવને રાજ્ય સરકારની મંજૂરીની આવશ્યક રહેશે.

દર વર્ષે પાલિકા તેના અધિકાર ક્ષેત્રમાં આવેલી નવ લાખથી વધુ પ્રોપર્ટી માટે પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરે છે, ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષ માટે પાલિકાએ કામચલાઉ પ્રોપર્ટી ટેક્સના બિલ આપ્યા હતા, જેમાં પાંચ વર્ષના રિવિઝન રુલ મુજબ ૧૫થી ૨૦ ટકાનો વધારો શામેલ હતો. જોકે ભૂતપૂર્વ નગરસેવકો અને નાગરિકોના ભારે વિરોધને પગલે સૂચિત વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ જ પ્રસ્તાવ ગયા વર્ષે પણ મુલતવી રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં આખા વર્ષમાં મ્હાડા ૧૯,૪૯૭ ઘર બનાવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button