હવે જાહેરમાં કચરો બાળનાર પાસેથી પાલિકા વસૂલ કરશે 1000 રૂપિયા…

મુંબઈઃ મુંબઈ પાલિકાની હદમાં ખુલ્લામાં કચરો બાળનારને હવે 100 રૂપિયાના બદલે 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ખુલ્લામાં કચરો બાળવાથી પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર પરિણામ થતા હોય છે તેથી નાગરિકોને પોતાની જવાબદારીનું ભાન થાય તે માટે પાલિકાએ 1000 રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કર્યુ છે.
પહેલી એપ્રિલથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. આ સિવાય ખુલ્લામાં કચરો બાળવા માટે રોકવા વિભાગીય કાર્યાલય (બોર્ડ) સ્તર પર ટીમ બનાવવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નેતૃત્વ હેઠળ ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું જાહેર રીતે પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કાલબાદેવીના સુવર્ણકારો માટે વૈકલ્પિક જગ્યાની માગણી…
ખુલ્લાંમાં કચરો બાળવાથી તેમાંથી ઝેરી વાયુ તથા અન્ય કણો હવામાં સામેલ થતા હોય છે જેથી શ્વાસમાં આ હવા જવાથી બીમાર પડાય છે. અત્યાર સુધી ખુલ્લાંમાં કચરો બાળનાર પાસેથી 100 રૂપિયા દંડ લેવામાં આવતો હતો, પરંતુ હવે દંડની રકમ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. નાગરિકોમાં ખુલ્લામાં કચરો બાળવાથી થતા પરિણામ અંગે જાગરૂકતા પણ લાવવામાં આવશે.