કૉંક્રીટાઈઝેનના કામ દરમ્યાન વૃક્ષોના મૂળિયાને નુકસાન પહોંચાડનારા કૉન્ટ્રેક્ટરને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મોટા પાયા પર કૉંક્રીટાઈઝેશન પ્રોેજેક્ટ હાથ ધરાયો છે, જે હેઠળ ખોદકામ કરતા સમયે વૃક્ષોના મૂળિયાને નુકસાન પહોંચાડવા અને તેને કાપવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ એક કૉન્ટ્રેક્રને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
દક્ષિણ મુંબઈના પ્રભાદેવી અને મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા પાંચ રસ્તા જીવબા આત્મારામ રાઉલ રોડ, ઓલ્ડ પ્રભાદેવી, મેટલ બોક્સ લેન, વીર સંતાજી લેન અને ફેમસ સ્ટુડિયો લેન પર કૉન્ટ્રેક્ટર દ્વારા ઉલ્લંઘન કરાયું હોવાનું જણાઈ આવ્યું છે.
પાલિકાના જી-દક્ષિણ વોર્ડ આસિન્ટન્ટ સુપરિટેન્ડન્ટ ઓફ ગાર્ડન દ્વારા રસ્તાનાના ખોદકામ માટે કૉન્ટ્રેક્ટરે ઝાડના મૂળિયાને નુકસાન પહોંચાડ્યું હોવાનું તથા તેને કાપ્યા હોવાની જાણ રોડ ડિપાર્ટમેન્ટ કર્યા બાદ તેમના દ્વારા કૉન્ટ્રેક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં ગાર્ડન વિભાગ દ્વારા એવું પણ નોંધવામાં આવ્યું હતું કે વૃક્ષોના એક મીટરની ત્રિજયામાં ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી તેના મૂળિયાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું ઉલ્લંઘન ગણાય છે. ગાર્ડન વિભાગના અધિકારીના ઈન્સ્પેકશન દરમ્યાન જણાયું હતું કે વૃક્ષોના મૂળિયાને ગંભીર નુકસાન થયું હોવાથી ચોમાસામાં તેને વધુ નુકસાન થઈ શકે છે. કૉન્ટ્રેક્ટરની આ ભૂલ બદલ તેને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં પણ પાલિકાના જી-દક્ષિણ વોર્ડના પ્રભાદેવીમાં રાજાભાઉ દેસાઈ રોડ પર ખોદકામ સયમે વૃક્ષોના મૂળિયાને નુકસાન પહોંચાડવા બદલ રોડ કૉન્ટ્રેક્ટરને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કૉન્ટ્રેક્ટર દ્વારા રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનના કામ સમયે આડેધડ ખોદકામ કરવામાં આવે છે, જેને કારણે રસ્તાના કિનારે લાગીને આવેલા વૃક્ષોને નુકસાન તો થાય છે પણ તે જોખમી હાલતમાં આવી જાય છે અને તેને કારણે ચોમાસામાં તેના તૂટી પડવાનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો : રોડના કૉંક્રીટીકરણનું કામ 31 મે પહેલાં પૂર્ણ કરો: એકનાથ શિંદે…
નોંધનીય છે કે શહેરભરના રસ્તાના કામ દરમ્યાન વૃક્ષોને નુકસાન પહોંચાડવા બદલ પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા અત્યાર સુધી લગભગ ૬૦ નોટિસ ફટકારવામાં આવી છે.