મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મુંબઈની નવ વિધાનસભામાં મહિલાઓનું રાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ૨૨૭ વોર્ડની અનામતની મંગળવારે થયેલી લોટરી બાદ અનેક વિધાનસભા વિસ્તારમાં પુરુષ નગરસેવકોની સરખામણીમાં મહિલા નગરસેવિકાનું વર્ચસ્વ વધી જવાનું છે. નવ વિધાનસભા મતદાર સંઘમાં ફક્ત એક પુરુષ નગરસેવક સામે બાકીના તમામ વોર્ડ મહિલાઓ માટે વોર્ડ અનામત થઈ ગયા છે.
ખાસ કરીને દહિસર, બોરીવલી, ઘાટકોપર પૂર્વ અને પશ્ર્ચિમ, ભાંડુપ, મલાડ, જોગેશ્ર્વરી, શિવડી-કોલીવાડા અને વરલીમાં મહિલા નગરસેવિકાઓની સંખ્યા વધી જવાની છે. આ તમામ વોર્ડમાં મહિલાઓ માટે અનામત વધી જતા આ વિધાનસભા વિસ્તારમાં પુરુષ નગરસેવકોને ચૂંટણી લડવા માટે અન્ય વોર્ડ શોધવાની ફરજ પડવાની છે.
મુંબઈના ૨૨૭ વોર્ડમાંથી ૧૧૪ મહિલાઓ માટે અનામત છે, જેમાં આઠ અનુસૂચિત જાતિ, એક અનુસૂચિત જનજાતિ, ૩૧ ઓબીસી અને ૭૪ ઓપન કેગેટરીની મહિલાઓ માટે છે. વસતીના આધારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠક ફાળવ્યા બાદ ઓસીબી અને ઓપન કેગેટરીની મહિલાઓનો સમાવેશ થાય છે.
શહેરની ૩૬ વિધાનસભા મતવિસ્તારમાંથી નવમાં હવે પુરુષ કરતા મહિલા માટે અનામત થયેલા વોર્ડનું પ્રમાણ વધારે છે. કેટલા વિસ્તારોમાં મહિલા અનામત વોર્ડ અન્ય તમામ અનામત શ્રેણી કરતા પણ વધુ છે. તેને કારણે બેથી ત્રણ સળંગ વોર્ડ મહિલાઓ માટે અનામત થઈ ગયા છે અને હવે પુરુષ ઉમેદવારો માટે ચૂંટણી લડવા માટે મર્યાદિત તક રહેલી છે.
અનઅપેક્ષિત રીતે એક વિધાનસભામાં મહિલા અનામત વોર્ડની સંખ્યા વધી જવાથી વર્ષોથી એક વિસ્તારમાં મહેનત કરતા રહેલા ભૂતપૂર્વ પુરુષ નગરસેવકો માટે સીટ મેળવવું મુશ્કેલ થઈ ગયું છે. રાજકીય પાર્ટી માટે પણ ભૂતપૂર્વ પુરુષ ઉમેદવારોને કયાં સમાવવા એ માથાનો દુખાવો બની જવાનો છે.
વિધાનસભા મતવિસ્તાર પર જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે દહિસરમાં છમાંથી પાંચ વોર્ડ મહિલા માટે અનામત થઈ ગયા છે. (ત્રણ ઓબીસી, બે ઓપન) માત્ર એક જ વોર્ડ ખુલ્લો રહે છે. બોરીવલીમાં સાતમાંથી છ વોર્ડ અનામત (ચાર સામાન્ય, બે ઓબીસી અને એક ખુલ્લો) થઈ ગયા છે.
મલાડમાં આઠમાંથી ચાર વોર્ડ મહિલાઓ માટે અનામત થઈ ગયા છે. ભાંડુપમાં સાતમાંથી પાંચ વોર્ડ અનામત થઈ ગયા છે. જોગેશ્ર્વરીમાં આઠ વોર્ડમાં સાત વોર્ડ અનામત (પાંચ જનરલ, બે ઓબીસી, એક એસટી) થઈ ગયા છે. શિવડી-કોલીવાર્ડમાં છ વોર્ડમાંથી પાંચ વોર્ડ રિઝર્વ થઈ ગયા છે. વરલીમાં તમામ ચાર વોર્ડ અનામત થઈ ગયા છે. ઘાટકોપર પૂર્વમાં પાંચમાંથી ચાર વોર્ડ અને ઘાટકોપર પશ્ર્ચિમમાં પાંચમાંથી ચાર વોર્ડ અનામત થઈ ગયા છે.
આ પણ વાંચો…મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૫ની ચૂંટણી માટે અનામતની લોટરી સંપન્ન



