મુંબઈમાં પણ થાણે ફોર્મ્યુલા: પાંચ વર્ષમાં મળશે ચાર ડેપ્યુટી મૅયર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેમાં આગામી પાંચ વર્ષ દરમ્યાન નાગરિકોને ચાર મેયર મળવાના છે. થાણે મહાનગરપાલિકામાં સવા વર્ષ માટે મેયર પદ રાખવામાં આવ્યું છે, તે ફોર્મુલ્યાને આધારે જ મુંબઈ મહાનગરપાલિકામાં પણ શિંદે સેનાએ કોઈને પણ નારાજ નહીં કરતા સિનિયરોને તક મળી રહે તે માટે ડેપ્યુટી મૅયર પદની મુદત સવા વર્ષની રાખી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકામાં મહાયુતિના ભાજપ અને શિંદે (સેના)વચ્ચેની આપસી સમજુતી મુજબ મૅયર પદ ભાજપ અને ડેપ્યુટી મૅયર પદ શિંદેસેનાને ફાળે ગયું છે. શનિવારે મુંબઈના મેયર તથા ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવારી દાખલ કરવાનો દિવસ હતો. ભાજપ તરફથી નગરસેવિકા રીતુ તાવડેએ ઉમેદવારી દાખલ કરી છે અને તે આગામી અઢી વર્ષ માટે મુંબઈના મેયરનું પદ શોભાવશે. તો તેની સામે શિંદે સેનાએ સંજય ઘાડીને ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવારી આપવામાં આવી છે.
મહાયુતિ પાસે મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતી હોવાથી બિનવિરોધ તેમના ઉમેદવાર મૅયર પદ, ડેપ્યુટી મૅયર પદે ચૂંટાઈ આવશે તે નિશ્ર્ચિત છે, જેમા મુંંબઈના ડેપ્યુટી મૅયર પદે શિવસેના (શિંદે)માંથી નગરસેવક સંજય ઘાડીને ઉમેદવારી આપવામાં આવી છે, જોકે તેઓ અઢી વર્ષને બદલે ફક્ત સવા વર્ષ માટે ડેપ્યુટી મૅયર પદે રહેશે.
થાણે મહાનગરપાલિકામાં પણ અઢી વર્ષને બદલે મેયર માટે સવા વર્ષની મુદત શિવસેનાએ રાખી છે, તે આધારે જ મુંબઈમાં શિંદે સેનાના તમામ સિનિયર નગરસેવકોને તક મળી રહી તે માટે ડેપ્યુટી મૅયર પદની મુદત સવા વર્ષની રાખી હોવાનું પક્ષના સિનિયર નેતાએ જણાવ્યું હતું.
પક્ષના વરિષ્ઠ નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુંં કે પક્ષમાં ચૂંટાઈ આવેલા નગરસેવકોની સંખ્યા ૨૯ છે, તેમાં મોટાભાગના લોકો સંયુક્ત શિવસેના વખતે ઉદ્ધવ ઠાકરે સાથે હતા. પક્ષમાં ભંગાણ પડયા બાદ તેઓ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદેસેનામાં જોડાયા છે. તેથી તેમને સાચવી લેવાની જવાબદારી પક્ષની છે. તેથી પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન આ નગરસેવકોમાંથી સિનિયરોને ડેપ્યુટી મૅયર પદ તો અન્ય નગરસેવકોને સ્થાયી, સુધાર, એજ્યુકેશન સહિતની અન્ય સમિતિમાં સમાવી લેવામાં આવશે. કોઈ પણ ચૂંટાયેલો નગરસેવક નારાજ થાય નહીં તેની જવાબદારી પક્ષની રહેશે.



