મુંબઈના આ વિસ્તારમાં ફેરિયાઓ અને અતિક્રમણનો સફાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રખ્યાત મોહમ્મદ અલી રોડ અને ઈબ્રાહિમ મર્ચન્ટ રોડના ભીડભાડવાળા કમર્શિયલ વિસ્તારમાં ફૂટપાથ પર ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સોમવારે કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી વ્યસ્ત ગણાતા બજાર વિસ્તારમાં રાહદારીઓના માર્ગ સાફ કરવા અને ટ્રાફિકની ભીડ હળવી કરવા માટે હાથ ધરવામાં આવી હતી.
મોહમ્મદ અલી રોડ એ ભીંડી બજાર, મસ્જિદ બંધ અને ભાયખલા પરિસરને જોડનારો મહત્ત્વનો રોડ છે. ઈબ્રાહિમ મર્ચન્ટ રોડ એ નાગદેવી અને માંડવી પરિસરની નજીક છે. આ બંને રસ્તા વેપારી દૃષ્ટિએ અને રાહદારીઓની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે.

આ બંને રોડ પરની ફૂટપાથ પર ગેરકાયદે રીતે દુકાનનું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તેમ જ આ પરિસરમાં ગેરકાયદે રીતે ફેરિયાઓએ દુકાન પણ ઊભી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી વાહનચાલકોને વાહન ચલાવવામાં અને રાહદારીઓને ફૂટપાથ પર ચાલવામાં અવરોધ આવી રહ્યા હતા.



