કમલા મિલમાં ગારમેન્ટ શોપનું રેસ્ટોરન્ટ બાર અને વાઈન શોપમાં ગેરકાયદે રૂપાંતર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલની કમલા મિલ પરિસરમાં ગારમેન્ટ શોપનું રેસ્ટોરાં અને બાર તથા વાઈન શોપમાં રૂપાંતર કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાને માહિતી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ ઈન્સ્પેકશન કર્યા બાદ ગેરકાયદે બાંધકામને તોડીને તેમના લાઈસન્સ પણ રદ કરી નાંખ્યા હતા.
લોઅર પરેલમાં રહેલી કમલા મિલ પરિસરમાં ‘લિવિંગ લિક્વિડસ’ એસ્ટાબ્લિશમેન્ટમાં રહેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડીને તેમા રહેલી બંને હોટલના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી મુંબઈ મહાનગરપાલિકાએ પાંચ ઑગસ્ટ, મંગળવારના હાથ ધરી હતી. ગ્રાઉન્ડ પ્લસ અને પહેલા માળા પર ગાર્મેન્ટ શોપને બદલે રેસ્ટોરાં બાર અને વાઈન શોપ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ટેલરિંગ શોપને બદલે રેસ્ટોરાં અને ડાઈનિંગ એવો ફેરફાર કરીને ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.

તેથી પાલિકાએ ‘લિવિંગ લિક્વિડસ’ (મુંબઈ વાઈન્સ એન્ડ ટ્રેડર્સ)ને ચાર ઓગસ્ટના સ્ટોપ વર્કની નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ પાંચ ઓગસ્ટના આકરી કાર્યવાહી કરી હતી. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ કમલા મિલ પરિસરમાં આઈટી પાર્કના ઠેકાણે ગેરકાયદે બાંધકામ, અતિક્રમણ તેમ જ ગેરકાયદે રીતે રેસ્ટોરાં, પબ અને બાર ચાલી રહ્યા હોવાની ફરિયાદ આવી હતી. એ બાદ પાલિકાના અધિકારીઓ અગાઉ ઈન્સ્પેકશન કરી ગયા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી કરી હતી. આ અગાઉ ૩૧ જુલાઈ, ૨૦૨૫ના પણ કમલા મિલમાં આવેલી રેસ્ટોરાં અને ખાદ્ય પદાર્થ વેચનારી હોટલ સામે કાર્યવાહી કરીને બાંધકામ તોડી પાડીને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ચાર ઓગસ્ટ, ૨૦૨૫ના ‘લિવિંગ લિક્વિડસ’ (મુંબઈ વાઈન્સ એન્ડ ટ્રેડર્સ)ને સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી હતી. તો મંગળવાર પાંચ ઓગસ્ટના તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ જ કમર્શિયલ વિસ્તારને ગેરકાયદે રીતે વિસ્તારીને અને આવશ્યક ફાયર સેફટીનું સર્ટિફિકેટ નહીં લેતા સાર્વજનિક સુરક્ષાને જોખમ ઊભું કરીને અહીં બાર અને રેસ્ટોરાં ચલાવવા પ્રકરણમાં પાલિકાએ ‘લિવિંગ લિક્વિડસ’ આ બંને રેસ્ટોરના લાઈસન્સ પણ રદી કરી નાંખ્યા છે.

આ કાર્યવાહીમાં પાલિકાના આરોગ્ય, બિલ્ડિંગ એન્ડ ફેકટરી અને બિલ્ડિંગ એન્ડ પ્રપોઝલ વિભાગના અધિકારી તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. કમલા મીલ મુજબ અન્ય સ્થળે પણ આવા ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.
આ પણ વાંચો…કોલાબાની BMC સ્કૂલના 1500 વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા મજબૂર, કારણ જાણીને નવાઈ લાગશે!