સાવધાન: મલેરિયા, ડેન્ગ્યુ, ગૅસ્ટ્રોના દર્દી વધી રહ્યા છે...

સાવધાન: મલેરિયા, ડેન્ગ્યુ, ગૅસ્ટ્રોના દર્દી વધી રહ્યા છે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ચોમાસામાં મચ્છરો કરડવાથી થતા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસને નિયંત્રણમાં રાખવા માટે મે અને જૂન મહિનામાં કન્સ્ટ્રકશન સાઈટ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી છતાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટો વધારો નોંધાયો છે.

આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું એટલે મે મહિનામાં જ થઈ જતા વર્ષના શરૂઆતના છ મહિનામાં જ પાણીજન્ય કહેવાતી બીમારીઓ ગૅસ્ટ્રો, હેપેટાઈટિસ, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને લેપ્ટોના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ કેસ નોંધાયો હોવાનો પાલિકાના આરોગ્ય ખાતાએ દાવા કર્યો છે.

મુંબઈમાં ગયા વર્ષે પહેલી જાન્યુઆરીથી ૩૦ જૂન, ૨૦૨૪ સુધીના છ મહિનામાં મલેરિયાના ૨,૦૫૫ કેસ સામે આ વર્ષે આ જ સમયગાળામાં મલેરિયાના ૨,૮૫૭ કેસ તો ડેન્ગ્યુના ૪૩૧ કેસ સામે આ વર્ષે છ મહિનામાં ૪૫૨ કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના ગયા વર્ષે છ મહિનામાં ૨૧ સામે આ વર્ષે ૧૩૬ કેસ નોંધાયા હતા. આ વર્ષે જો કે અત્યાર સુધી લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં થોડો ઘટાડો જણાયો છે.

ગયા વર્ષે છ મહિનામાં લૅપ્ટોના ૧૪૦ કેસ સામે આ વર્ષે ૧૦૧, ગૅસ્ટ્રોના ૪,૨૦૦ કેસ સામે આ વર્ષે ૪,૫૧૩ કેસ, હેપેટાઈટીસના ગયા વર્ષે છ મહિનામાં ૩૪૭ કેસ સામે આ વર્ષે ૪૩૭ અને કોવિડના ૧,૩૯૨ કેસ સામે આ વર્ષે આટલા સમયગાળામાં ૯૯૨ કેસ નોંધાયા છે.

ચોમાસામાં મચ્છરો કરડવાથી થતા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસને નિયંત્રણમાં રાખવા માટે મે અને જૂન મહિનામાં કન્સ્ટ્રકશન સાઈટ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એ દરમ્યાન મે અને જૂન મહિનામાં ૩,૦૩૩ ક્ધસ્ટ્રકશન સાઈટ પર ઈન્સ્પેકશન કરીને ૫૦,૦૮૫ લોહીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. તેમાંથી ૩૦ કેસ મલેરિયાના પોઝિટિવ આવ્યા હતા.

આરોગ્ય ખાતા દ્વારા જૂન મહિનામાં ઘર-ઘરમાં ફરીને તાવના દર્દીને શોધવા માટે ૧૦,૦૨,૨૫૦ ઘરના સર્વે કર્યા હતા, તેમાંથી ૧,૪૫,૩૪૩ લોકોના લોહીના નમૂના તપાસવામાં આવ્યા હતા. મલેરિયાના નિયંત્રણમાં લાવવા શહેરમાં જુદા જુદા ઠેકાણે ૭૨,૭૯૫ બ્રીડિંગ સ્થળોનું ઈન્સ્રપેકશન કરવામાં દરમ્યાન ૬,૫૦૬ સ્થળોેએ એનોફિલિસ મચ્છરોના બ્રીડિંગ સ્થળ મળી આવ્યા હતા. ડેન્ગ્યૂને નિયંત્રણમાં લાવવા ૨૭,૪૫૬ એડિસ મચ્છરોના બ્રીડિંગ સ્થળ શોધી કાઢયા બાદ ૮૫,૧૪૩ જૂનો સામાન અને ટાયરને હટાવવામાં આવ્યા હતા. મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૫૧,૪૧૯ બિલ્િંગના પરિસરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ૮,૩૭,૬૬૪ ઝૂંપડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button