ચોમાસામાં કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ રહેશે ખડેપગે જરૂર પડે તો ટ્રાફિક પોલીસ તૈયાર કરશે ગ્રીન કોરિડોર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આ વર્ષે ચોમાસાનું આગમન જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં થવાનો અંદાજો ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે ત્યારે મુંબઈમાં ચોમાસા માટે ખાસ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ને તહેનાત કરવામાં આવવાની છે. એટલું જ નહીં પણ ચોમાસા દરમ્યાન કોઈ કટોકટી સર્જાય તો ઘટના સ્થળે એનડીઆરએફ સમયસર પહોંચી શકે તે માટે ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવાનો નિર્દેશ પણ પાલિકા પ્રશાસને આપ્યો છે.
મુંબઈમાં સમય કરતા ચોમાસાનું આગમન જલદી થવાની શક્યતા વચ્ચે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે. ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે એમએમઆરડીએ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, બેસ્ટ, રેલવે, ભારતીય હવામાન વિભાગ, નેવી, આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(એનડીઆરએફ), મ્હાડા, સાર્વજનિક બાંધકામ વિભાગ, એસઆરએ, ટાટા પાવર સહિત જુદી જુદી સરકારી એજન્સીઓ સાથે બેઠક કરી હતી.
બેઠકમાં એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ મુંબઈમાં ચોમાસામાં માટે ખાસ (એનડીઆરએફ)ને તહેનાત કરવાનો તથા દરમ્યાન કોઈ કટોકટી સર્જાય તો ટ્રાફિક પોલીસે એનડીઆરએફ માટે ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો હતો. શહેર, પૂર્વ ઉપનગર અને પશ્ચિમ ઉપનગરમાં એનડીઆરએફની ટુકડીઓ તહેનાત રહેશે, જેથી નાગિરકોને રાહત થઈ રહેશે એવો દાવો પાલિકાએ કર્યો હતો.
ચોમાસામાં પાણી ભરાય નહીં તે માટે પાલિકાના ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરોને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે સમન્વય સાધીને અને ડિઝલ જનરેટર પંપ બેસાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમ જ ભારે વરસાદ દરમ્યાન ભરાઈ ગયેલા પાણીનો નિકાલ કરવા માટે નાગરિકો મૅનહોલના ઢાંકણા ખોલી ના મૂકે તેના પર ખાસ ધ્યાન આપવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે. રેલવે પરિસરમાં પાણી ભરાઈને રેલવે લાઈન ઠપ થાય નહીં તે માટે રેલવેને સ્ટોર્મવોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે કામ કરવાનો નિર્દેશ પણ આ સમયે આપવામાં આવ્યો હતો.
ચોમાસા દરમ્યાન મોટી હૉસ્પિટલ અને ઉપનગરીય હૉસ્પિટલમાં વીજળી ઠપ થાય નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જ કટોકટી માટે ખાસ ડિઝલ જનરેટર મશીન પણ તૈયાર રાખવાનો નિર્દેશ તમામ હૉસ્પિટલોને આપવામાં આવ્યા છે. પાલિકાની તમામ હૉસ્પિટલોને ચોમાસા જન્ય બીમારીઓ માટે સજ્જ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. ચોમાસામાં દરિયા કિનારા પર ખાસ લાઈફગાર્ડ તહેનાત કરવાની સૂચના મુંબઈ ફાયરબ્રિગેડને આપવામાં આવી છે. દરિયામાં ભરતી સમયે નાગરિકો અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. મુંબઈમાં જોખમી બિલ્ડિંગો તથા ભેખડ ધસી પડવાના જોખમી વિસ્તારમાં તેમ જ સેફટી વૉલને લઈને ખાસ ધ્યાન રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
હૉર્ડિંગ અને મોબાઈલ ટાવરના સ્ટ્રક્ટરલ ઑડિટ ફરજિયાત
મુંબઈમાં ગયા વર્ષે મે મહિનામાં અચાનક આવી પડેલા વરસાદને કારણે ઘાટકોપરમાં પેટ્રોલ પંપના પરિસરમાં વિશાળ હૉર્ડિંગ તૂટી પડયું હતું, જેમાં ૧૭નાં મોત થયા હતા. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને મંગળવારની બેઠકમાં પાલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી એજન્સીઓના અખત્યાર હેઠળની જગ્યામાં બેસાડેલા હૉર્ડિંગ્સ બોર્ડના સ્ટ્રક્ચરલ ઑડિટ થયા છે કે નહીં તેની તપાસ કરવાનો નિર્દેશ પાલિકાએ આપ્યો હતો. સાથે જ જે હૉર્ડિંગ્સ બોર્ડ માટે સ્ટ્રક્ચરલ ઑડિટ થયા હોવાના સર્ટિફિકેટ મળ્યા નથી તેવા હૉર્ડિંગ્સના લાઈસન્સ રદ કરવાનો નિર્દેશ પાલિકાના એડિશનર કમિશનર વિપીન શર્માએ આપ્યો હતો. તેમ જ મોબાઈલ ટાવરના પણ સ્ટ્રક્ચરલ ઑડિટના સર્ટિફિકેટ મોબાઈલ કંપનીઓને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.