સોમવારે મુંબઈગરા માટે મોકાણ ઊભી કરશે મેઘરાજા? હવામાન ખાતા દ્વારા કરાઈ મુશળધાર વરસાદની આગાહી…

મુંબઈઃ મુંબઈમાં ગયા અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને હવામાન ખાતા દ્વારા આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મુંબઈગરાને હાલાકી ભોગવવી પડશે, એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં રવિવારે પણ અનેક ઠેકાણે મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો અને આવતીકાલે પણ હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં પહેલાં જ દિવસે ઓફિસ પહોંચવા માટે કસરત કરવી પડશે.
આ વખતે મોન્સૂને મહારાષ્ટ્રમાં એકદમ ઓન ટાઈમ પર એન્ટ્રી લીધી હતી, પણ બાદમાં મેઘરાજાએ પોરો ખાધો હતો. છેલ્લાં બે-ત્રણ દિવસની વાત કરીએ તો આ દિવસોમાં વરસાદનું જોર ફરી વધી રહ્યું છે અને તાપમાનમાં ઘટાડો થતા મુંબઈગરાએ ગરમીમાંથી રાહતનો શ્નવાસ લીધો છે. હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો બની રહ્યો છે અને એને કારણે મોન્સૂન ફરી સક્રિય થઈ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે.
આ પણ વાંચો : Good News: મુંબઈમાં ઘર લેવાનું દરેકનું સપનું થશે સાકાર…
શહેરના અનેક ઠેકાણે શનિવારે દમદાર વરસાદ પડ્યો હતો. દાદર, પરેલ, મુંબઈ સેન્ટ્રલ સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવે હવામાન ખાના દ્વારા મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઈમાં પાણી ભરાવવાની, ટ્રેનવ્યવહાર ઠપ્પ થવાની પૂરેપૂરી શક્યતા છે.
રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં પણ મુશળધાર વરસાદ પડશે. સોમવારથી વધનારા વરસાદના જોરને કારણે નોકરિયાત વર્ગને પહેલાં જ દિવસે ઓફિસ પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા પણ જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ નાગરિકોને કરી છે.