
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)નો ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે વિકાસ કરવાનો માસ્ટર પ્લાન જણાવતા નીતિ આયોગે કહ્યું હતું કે નવી મુંબઈ એરપોર્ટ ઇન્ફ્લુઅન્સ નોટિફાઇડ એરિયા (નૈના) અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) વિસ્તારમાં ‘એજ્યુસિટીસ’ (એજ્યુકેશન સિટીસ) બનાવવામાં આવશે. આ એજ્યુસિટીસમાં અનેક કોલેજો, યુનિવર્સિટીઝ, હોસ્ટેલ અને મનોરંજન માટેની સુવિધાઓ ઉપલબ્ધ હશે જેનો ઉદૃેશ્ય એમએમઆરને ભારતને એક ઉચ્ચ શિક્ષા કેન્દ્ર બનાવવાનો છે.
આ પણ વાંચો : Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?
શિક્ષણ ક્ષેત્રમાં રોકાણકારો સાથેની ચર્ચામાં એવું જાણવા મળ્યું હતું કે તેઓ એમએમઆરમાં ઘણો રસ ધરાવે છે, કારણ કે અહીં શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે જમીન/ઇમારતો સહેલાઇથી મળી રહેશે તથા અહીં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા, મનોરંજનના માળખા ઊભા કરવા તથા અન્ય સુવિધાઓ બનાવવા માટેની તમામ જરૂરિયાતો ઉપલબ્ધ રહેશે, એમ નીતિ આયોગના રિપોર્ટમાં જણાવાયું હતું.
શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો ઉચ્ચ શિક્ષણ માટે એમએમઆરની ક્ષમતા અંગે વધુ આશા ધરાવે છે. એચએસએનસી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ નિરંજન હીરાનંદાનીએ જણાવ્યું હતું કે વધુ સ્થાપનાઓ અને કનેક્ટિવિટી સાથે અનેક કેન્દ્રોની સ્થાપના થવી સ્વાભાવિક છે. મુંબઈ આર્થિક રાજધાની છે તેથી અહીં આઇટી અને ડેટા હબ છે તથા મુંબઈ અને પુણે વચ્ચે એક સંપન્ન ઔદ્યોગિક ક્ષેત્રની સાથે શિક્ષણને ચોક્કસ રીતે પ્રોત્સાહન મળશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અંદાજ પ્રમાણે ૨૦૩૦ સુધી વૈશ્ર્વિક સ્તરે અંદાજે વધારાની બે કરોડ ડિજિટલ નોકરીની જરૂર પડશે. નીતિ આયોગના રિપોર્ટમાં જણાવાયું છે કે એમએમઆરને ૨૦૩૦ સુધી ઓછામાં ઓછા ૧૦-૧૨ લાખ લોકોને સ્કીલ પૂરી પાડવાનું લક્ષ્ય રાખવું જોઇએ તથા ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી, ડિજિટલ સંબંધિત અભ્યાસક્રમ, એનિમેશન અને વિઝ્યુઅલ ગ્રાફિક્સ, એવિએશન, હોસ્પિટલિટી પર ભાર આપવો જોઇએ. આ ક્ષેત્રમાં ૪૦ ટકા મહિલાઓને સામેલ કરવા પર જોર આપવામાં આવ્યું છે.