મેટ્રો-ટુએ અને સેવનની ટિકિટ ૧૪થી વધુ ઍપ્સ પર બુક કરી શકાશે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટને ડિજિટલ બૂસ્ટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાનો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ વધુ સરળ અને સુવિધાજનક બની રહેવાનો છે. ખાસ કરીને મેટ્રો રેલવેની ટિકિટ હવે ૧૪થી વધુ મોબાઈલ ઍપ પરથી બુક કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
મુંબઈ મેટ્રો પોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જણાવ્યું હતું કે આઠ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ લોન્ચ થયેલી ભારતની પહેલી મોબિલિટી ઍપ -‘મુંબઈવનઍપ’ને મુંબઈગરા તરફથી ભરપૂર પ્રતિસાદ મળ્યા (બે મહિનામાં ૩,૭૮,૭૯૧થી વધુ ડાઉનલોડ) બાદ હવે એમએમઆરડીએ અને મહામુંબઈ મેટ્રો ડિજિટલ ટિકિટમાં વધુ એક ડગલું આગળ વધી રહી છે.
મેટ્રો-ટુએ અને મેટ્રો-૭ રૂટ માટે મોબાઈલ ક્યૂઆર ટિકિટ મોટા પ્રમાણમાં લેવામાં આવી રહી છે અને હવેથી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કૉમર્સ (ઓએનડીસી)ના માધ્યમથી આ ટિકિટ ૧૪થી વધુ કન્ઝ્યુમર-ફેસિંગ ઍપ્લિકેશન પર ઉપલબ્ધ થવાની છે.
બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ઉપક્રમનો શુભારંભ થયો હતો. દરરોજ ૩.૫ લાખ પ્રવાસીઓ મેટ્રો લાઈન ટુ-એ અને મેટ્રો સેવનમાં પ્રવાસ કરે છે અને બહુ જલદી મેટ્રો-ટુબી અને મેટ્રો-૯ને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સાથે જ ડિજિટલ ટિકિટ ઍપને કારણે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે.



