Metro મુંબઈગરામાં બની લોકપ્રિયઃ 10 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
મુંબઈ: લોકલ ટ્રેન કરતાં અનેકગણી સુવિધા ધરાવતી મેટ્રો રેલ સેવા મુંબઈગરાઓ માટે રાહતસમી સાબિત થઇ છે અને અનેક મુંબઈગરાઓએ વિકલ્પ તરીકે મેટ્રો પર પોતાની પસંદગી ઉતારી છે. એવામાં મુંબઈ મેટ્રો લાઇન 2-એ અને 7 (Metro 2 & 7) મારફત 10 કરોડ મુંબઇગરાઓએ પ્રવાસ કર્યો હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.
10 કરોડ પ્રવાસીઓએ મેટ્રો મારફત પ્રવાસ કર્યો હોવાની જાહેરાત કરતા મેટ્રોપોલિટન કમિશનર ડૉક્ટર સંજય મુખર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહલા ટ્વિટર) પર જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)માં મેટ્રો 2-એ અને 7 પર કુલ પ્રવાસીઓની સંખ્યા આજે 100 મિલિયન (10 કરોડ)ને વટાવી ગઇ છે.
સમગ્ર ટીમને મારા અભિનંદન. જાન્યુઆરી, 2023થી આ બંને મેટ્રો સેવા શરૂ કરવામાં આવી હતી. જ્યારે બંને લાઇનના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન બીજી એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવ્યું હતું. આજનો દિવસ મુંબઈગરાઓ માટે ગર્વનો દિવસ છે.
આ પણ વાંચો : Good News: આ તારીખથી Mumbai’s First Underground Metro-3માં પ્રવાસ કરી શકશે…
દહીંસરથી ડી. એન. નગર દરમિયાન 18.2 કિ. મીના અંતર દરમિયાન 17 સ્ટેશન પર મેટ્રો 2-એ દોડાવવામાં આવે છે. આ લાઇન ઘાટકોપરથી વર્સોવા દોડતી મેટ્રો લાઇન-1, ડી. એન. નગરથી મંડાલે દરમિયાન દોડતી મેટ્રો લાઇન 2-બી, અંધેરી ઇસ્ટથી દહીસર ઇસ્ટ દરમિયાન દોડતી મેટ્રો લાઇન 7 અને સ્વામી સમર્થ નગરથી વિક્રોલી દરમિયાન દોડતી મેટ્રો લાઇન 6ની સાથે જોડાય છે. જ્યારે અંધેરી ઇસ્ટથી દહીસર ઇસ્ટ દરમિયાન 16.5 કિ.મીનું અંતર કાપતી મેટ્રો લાઇન 7 વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વે પરનો ટ્રાફિક ઓછો કરવા માટે ખૂબ કારગર નીવડી છે.
અત્યાધુનિક સગવડ અને સુવિધાઓ, સુરક્ષા, એ.સી, સ્વચ્છ શૌચાલય જેવી સુવિધાઓના કારણે મુંબઈગરાઓ મેટ્રો દ્વારા પ્રવાસ કરવાનું વધુ પસંદ કરે છે અને તેના કારણે મુંબઈની લોકલ ટ્રેન તેમ જ રસ્તાઓ પર ટ્રાફિકનો ભારણ પણ ઓછો થયો છે.