મેટ્રોના પ્રવાસીઓ માટે મોટા ન્યૂઝ, હવેથી મળશે આ સુવિધા
મુંબઈઃ મુંબઈના જાહેર પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેનના સમાંતર બેસ્ટ પછી હવે મેટ્રોની ધીમે ધીમે બોલબાલા વધી રહી છે, જેમાં મેટ્રો-થ્રી શરુ કરવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં મેટ્રો ટૂએ અને સાતના પ્રવાસીઓ માટે વોટ્સએપ ટિકિટિંગ સર્વિસ શરુ કરી છે.
મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિમિટેડે (MMOCL) પ્રવાસીઓની સુવિધા માટે સૌથી મોટી સુવિધાના ભાગરુપે વૉટ્સએપ આધારિત ટિકિટિંગ સેવા શરૂ કરી છે. નવરાત્રિ પર્વ નિમિત્તે મહિલા પ્રવાસીઓ દ્વારા આ પહેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આ સેવાની શરૂઆત મહિલા સશક્તિકરણ અને નવીનતાનું પ્રતિક છે.
હવે આ નવી સુવિધા મેટ્રો લાઇન 2A અને 7ના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે, તેનાથી પ્રવાસીઓ સીધા જ વૉટ્સએપ પરથી ટિકિટ ખરીદી શકશે. આ માટે કોઈ અલગ મોબાઈલ એપની જરૂર નથી. તેથી, વધુ વપરાશકર્તા તેનો ઉપયોગ કરી શકશે. મુસાફરો વોટ્સએપ નંબર 8652635500 પર ‘હાઈ’ મોકલીને અથવા સ્ટેશનો પર ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકશે. એમએમએમઓસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પહેલ દ્વારા અમારો ઉદ્દેશ પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો છે. આ દેશભરના લોકોની દૈનિક મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવાના અમારા વિઝનને અનુરૂપ છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં Central Railwayએ હાથ ધરી ખાસ ડ્રાઈવ, કરી લાખોની કમાણી…
મહા મુંબઈ મેટ્રોના અધ્યક્ષ અને એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર ડૉ. આઈએએસ સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સંખ્યા દર મહિને સરેરાશ ૫ ટકા વધી રહી છે. અમે ઝડપી અને સીમલેસ સેવાની મુસાફરોની અપેક્ષાઓ પૂરી કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ. વોટ્સએપ ટિકિટિંગ સુવિધા ટિકિટ વિન્ડો પર કતાર ઘટાડવામાં અને મુસાફરીના અનુભવને વધુ અનુકૂળ બનાવવામાં મદદ કરશે. હાલમાં અમારા લગભગ ૬૨ ટકા પ્રવાસીઓ પેપર ક્યુઆર ટિકિટનો ઉપયોગ કરે છે, ૩ ટકા પ્રવાસીઓ મોબાઇલ ક્યુઆર ટિકિટનો ઉપયોગ કરે છે અને ૩૫ ટકા મુસાફરો એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરે છે. આ નવી ટિકિટિંગ સેવા રજૂ કરતાં મને ખૂબ જ આનંદ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
- ઈન્સ્ટન્ટ ટિકિટ ખરીદી: પ્રવાસીઓ ફક્ત વોટ્સએપ નંબર 8652635500 પર ‘હાઈ’ મેસેજ મોકલીને અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકે છે.
- સરળ ઍક્સેસ: એક જ ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ છ ક્યુઆર કોડથી ટિકિટ જનરેટ કરી શકાય
- ઇકો ફ્રેન્ડલી: પેપર ટિકિટની જરૂરિયાતને પુરી કરે છે. પરિણામે, ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી મુસાફરીને પ્રોત્સાહન આપે છે.
- ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ચૂકવણી પર સર્વિસ ટેક્સ લાગશે, જ્યારે યુપીઆઈ-આધારિત વ્યવહારો પર કોઈ વધારાનો ટેક્સ લાગશે નહીં.