મુંબઈ મેટ્રો ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોની સેવા મંગળવારે સવારના પીક અવર્સમાં એક્સર અને મંડપેશ્ર્વર સ્ટેશન વચ્ચે થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી, તેને કારણે ઓફિસ જનારા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેલવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના જણાવ્યા મુજબ દહિસર-અંધેરી (પશ્ર્ચિમ) મેટ્રો ૨-એ રૂટ પર ટેક્નિકલ સમસ્યા સર્જાવાને કારણે મેટ્રો સેવા ખોરવાઈ હતી. તાત્કાલિક ધોરણે સમસ્યાને દૂર કરવામાં આવી હતી. જોકે ટ્રેનોનું બન્ચિંગ થવાને કારણે મેટ્રો રેલવે તેના શેડ્યુલથી મોડી દોડી રહી હતી. મેટ્રો ૨-એ રૂટ પર પહેલી વખત મોટી ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે રેલ વ્યવહાર ખોરવાયો હતો. ચોક્કસ કયા પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી એ બાબતે જોકે એમએમઆરડીએ કોઈ ચોખવટ કરી નહોતી. પરંતુ પીક અવર્સમાં ૩૦ મિનિટ કરતા પણ વધુ સમય માટે મેટ્રો બંધ રહેતા સ્ટેશનો પર ભારે ભીડ થઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.