વરલી સુધીની મેટ્રો પહેલા દિવસે લગભગ ખાલી જ દોડી
મોટા ભાગના લોકોને આ સેવા શરૂ થઇ હોવાનો ખ્યાલ જ નથી

મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીની એક્વા લાઇન એટલે કે મુંબઈ મેટ્રો લાઇન-થ્રી શનિવારથી કાર્યરત થઇ હતી. આ અગાઉ ગયા વર્ષે મેટ્રો-થ્રીનો આરે જેવીઆરએલ અને બીકેસી વચ્ચેનો તબક્કો જનતા માટે ખુલ્લો મુકાયો હતો. તેમ છતાં બીજા શનિવારની રજા અને જનતામાં હજી સુધી આ અંગે વધુ માહિતી ન હોવાને કારણે પ્રથમ દિવસે ટ્રેનો ખાલી દોડી હોવાનું સૂત્રોનું કહેવું છે.

મુંબઈના પરાં વિસ્તારમાં મુંબઈ મેટ્રો-૧ (ઘાટકોપર-અંધેરી-વર્સોવા), મેટ્રો-ટૂએ (દહિસર પૂર્વ-અંધેરી પશ્ર્ચિમ) અને મેટ્રો-૭ (અંધેરી પૂર્વ-દહિસર પૂર્વ) કાર્યરત થઇ ગઇ છે. બીકેસી અને વરલીના આચાર્ય અત્રે ચોક વચ્ચેના મેટ્રો-થ્રીના તબક્કાનું ઉદ્ઘાટન શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરાયું હતું. એ નિમિત્તે તેમણે જાહેરાત કરી હતી કે દક્ષિણ મુંબઈના કફ પરેડ અને વરલી વચ્ચેના અંતિમ તબક્કો પણ ઓગસ્ટમાં કાર્યરત થશે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસી)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ૬.૩૦ કલાકે વરલી નાકા સ્ટેશનથી પ્રથમ ટ્રેન રવાના થઇ હતી, જ્યારે જેવીએલઆર આરેથી પણ તે સમયે જ ટ્રેન ઉપડી હતી. આ રૂટની સેવા સોમથી શનિ સવારે ૬.૩૦ કલાકથી રાત્રે ૧૦.૩૦ કલાક સુધી રહેશે, જ્યારે રવિવાર માટેનો સમય સવારે ૮.૩૦ કલાકથી રાત્રે ૧૦.૩૦ કલાક રહેશે.

સવારે શિતળાદેવી સ્ટેશનથી સિદ્ધિવિનાયક સુધીનો પ્રવાસ કરનાર એક પ્રવાસીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ટ્રેન એકદમ ખાલી હતી, કારણ કે અનેક લોકોને ખબર જ નથી કે આ રૂટની સેવા લંબાવવામાં આવી છે. મેટ્રો-થ્રીના આ ટૂ-એ તબક્કો ૯.૭૭ કિલોમીટર લાંબો છે અને મીઠી નદીની નીચેથી પસાર થાય છે. આ રૂટ પર છ સ્ટેશન છે જેમાં ધારાવી, શિતળાદેવી, દાદર પશ્ર્ચિમ, સિદ્ધિવિનાયક, વરલી અને આચાર્ય અત્રે ચોકનો સમાવેશ થાય છે.
એમએમઆરસીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ મેટ્રો ટૂ-એ તબક્કાનું લઘુતમ ભાડું ૧૦ રૂપિયા અને મહત્તમ ભાડું ૪૦ રૂપિયા રહેશે, જ્યારે જેવીએલઆરથી આચાર્ય અત્રે ચોક સુધીનું ભાડું ૬૦ રૂપિયા રહેશે. આઠ મેટ્રો દ્વારા દિવસ દરમિયાન ૨૪૪ સર્વિસ રહેશે. બીકેસીથી આચાર્ય અત્રે ચોક સુધીના પ્રવાસનો સમય અંદાજે ૧૫-૨૦ મિનિટ તથા આરે જેવીએલઆરથી આચાર્ય અત્રે ચોક સુધીનો પ્રવાસનો સમય ૩૬ મિનિટ રહેશે.