મુંબઈગરાઓને વધુ બે મેટ્રો ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષે બે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી આ વર્ષે વધુ મેટ્રો ટ્રેન ઝડપથી શરુ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, દહિસર-મીરા ભાયંદર અને અંઘેરી-એરપોર્ટ માટેની મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરુ થશે નહીં.
દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9 અને અંધેરી પૂર્વ-છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મેટ્રો 7એ લાઇનનું નિર્માણ હાલ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોને બંને લાઇન પર કામ માટે મુદત વધારી આપવામાં આવી છે. મેટ્રો 9 લાઈનની મુદત જૂન 2025 સુધી અને મેટ્રો 7 એ જુલાઈ 2026 સુધી વધારવામાં આવી છે. પરિણામે મુંબઈગરાઓએ આ બે રૂટ પર મુસાફરી કરવા માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચો : મહાયુતિના વિધાનસભ્યોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પંચસૂત્રી…
દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9 લાઈન પર હાલ કામકાજ ચાલી રહ્યું છે. આ રૂટ ઉત્તન સુધી લંબાવવામાં આવશે. અત્યાર સુધીમાં લાઇનનું 92 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. મેટ્રો 7એ દહિસરથી ગુંદવલી, અંધેરી પૂર્વ મેટ્રો 7 રૂટના ગુંદવલી, અંધેરી (પૂર્વ)થી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી લંબાવવામાં આવી રહી છે.
આ બંને લાઈનના કામનો આદેશ 9 સપ્ટેમ્બર, 2019ના દિવસે જારી કરવામાં આવ્યો હતો. દરમિયાન આરટીઆઇ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ એમએમઆરડીએ પાસેથી આ લાઇનોના કામ અંગે માહિતી માગી હતી. એ અનુસાર આ બંને મેટ્રો લાઇનની મુદત વધારવામાં આવી હોવાનું એમએમઆરડીએએ જણાવ્યું હતું.
મેટ્રો 9ના કામ માટે અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર 2022 હતી. જોકે કામમાં વિલંબ થતાં કોન્ટ્રાક્ટરને જૂન 2025 સુધી મુદત વધારી આપવામાં આવી છે. મેટ્રો 7એ લાઇનની મુદત 8 માર્ચ, 2023 હતી. કામમાં વિલંબને કારણે એમએમઆરડીએએ આ કામના કોન્ટ્રાક્ટર માટેની સમયમર્યાદા જુલાઈ 2026 સુધી વધારી દીધી છે.