આમચી મુંબઈ

મુંબઈ મેયર પાવર એન્ડ સેલેરી 2026: જાણો મુંબઈના પ્રથમ નાગરિકને કેટલો પગાર અને બીજી સુખ- સુવિધાઓ…

મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે મુંબઈને નવા ‘પ્રથમ નાગરિક’ મળવા જઈ રહ્યા છે. એશિયાની સૌથી ધનિક પાલિકાના મેયર વિશે તમે આપેલી માહિતી અત્યંત રસપ્રદ છે. આજે આપણે આ સ્ટોરીમાં મેયરને આપવામાં આવતા પગાર અને અન્ય ભથ્થા અને સુવિધા વિશે વાત કરીશું…

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોની ચર્ચા બાદ હવે ચર્ચાનો મુદ્દો છે કે કોણ બનશે મુંબઈનો મેયર? મુંબઈના મેયરને માત્ર એક પદ નહીં, પણ શહેરની અસ્મિતા અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે દેશની જ નહીં પણ પાલિકાની સૌથી ધનવાન ગણાતી પાલિકામાંથી એક એવા મુંબઈ મહાનગર પાલિકાના મેયરનો પગાર કોઈ સામાન્ય ક્લર્ક જેટલો જણાતો હોય, પણ તેમની પાસે રહેલી સુવિધાઓ અને માન-સન્માન કોઈ રાજ્યના કેબિનેટ મિનિસ્ટરથી ઓછા નથી.

પગાર નહીં પણ મળે છે માનધન

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ કરીએ તો મેયરને કોઈ ચોક્કસ પગાર નથી આપવામાં આવતું. તેમને માનધન આપવામાં આવે છે. મેયરને દર મહિને લગભગ રૂપિયા 5,000થી રૂપિયા 10,000ની આસપાસનું માનધન આપવામાં આવે છે. આ સાથે આપવામાં આવતા વિવિધ એલાઉન્સ અને મીટિંગ દીઠ મળતા ભથ્થાં ઉમેરતા આ આંકડો મહિને રૂપિયા 50,000થી રૂપિયા 55,000 સુધી પહોંચે છે. આ રકમમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર અને પાલિકાની જનરલ બોડી દ્વારા લેવામાં આવે છે.

મળે છે આ ખાસ સુખ-સુવિધાઓ

પગાર ઓછો હોવા છતાં, મુંબઈના મેયર જે સુવિધાઓ ભોગવે છે તે કોઈ રાજાશાહીથી ઓછી નથી. મેયરને મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં તેમને આલીશાન સત્તાવાર નિવાસસ્થાન મળે છે. આ ઉપરાંત મેયરને લાલ બત્તીવાળી ગાડી, સ્પેશિયલ ડ્રાઈવર અને અંગત સ્ટાફની સુવિધા મળે છે. કોઈપણ સરકારી કાર્યક્રમમાં મુંબઈના મેયરનો પ્રોટોકોલ રાજ્યના કેબિનેટ પ્રધાન સમાન હોય છે. મેયર એ મુંબઈના પ્રથમ નાગરિક હોવાથી વિદેશી મહેમાનોના સ્વાગત માટે પણ તેઓ જ જાય છે.

સત્તા અને જવાબદારીનું સંતુલન

મુંબઈના મેયર માત્ર એક શોભાના ગાંઠિયા સમાન પદ નથી, મેયરની પાસે મહત્વના પાવર પણ હોય છે. જેમ કે બીએમસીના 227 કોર્પોરેટરોની જનરલ બોડીના તેઓ અધ્યક્ષ હોય છે. પાલિકામાં કયો ઠરાવ પસાર થશે અને ચર્ચા કઈ દિશામાં જશે તે મેયર નક્કી કરે છે. આ સિવાય મ્યુનિસિપલ કમિશનર પર પાસે ભલે વહીવટી સત્તા હોય, પરંતુ કમિશનર પર પણ તેમનો સંપૂર્ણ કન્ટ્રોલ હોય છે. કમિશનરે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડે છે. રૂપિયા 74,427 કરોડના વિશાળ બજેટની ફાળવણી કયા વોર્ડમાં અને કયા કામ માટે થશે, તેમાં મેયરનો નિર્ણય અંતિમ નિર્ણય હોય છે.

પાલિકાને ક્યાંથી થાય છે આવક?

અગાઉ જણાવ્યું એમ બીએમસીની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. આ સિવાય વોટર ટેક્સ અને સ્યુરેજ ચાર્જ, બિલ્ડિંગ પ્રપોઝલ ફી અને લાયસન્સ ફી, એડવર્ટાઈઝમેન્ટ હોર્ડિંગ્સમાંથી મળતી આવક પાલિકાની તિજોરીમાં જાય છે. આ સિવાય પાલિકા પાસે એક મોટો રેવેન્યુ બેઝ અને ફિક્સ્ડ ડિપોઝીટ છે, જે એના મસમોટા બજેટમાં મહત્ત્વનું યોગદાન આપે છે.

આ પણ વાંચો…BMC ચૂંટણીઃ નવા મેયર કોણ બનશે? ભાજપની જીત બાદ 5 ચહેરાની ચર્ચા….

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button