મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા ભાજપની પણ મુંબઈ ઠાકરેના હાથમાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીના રિઝલ્ટ આવીને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી મુંબઈના મૅયર પદ સહિત અન્ય પ્રભાગ સમિતિઓની ચૂંટણી થઈ નથી. મુંબઈ મહાનગરપાલિકામાં મૅયર પદની ચૂંટણી ૧૧ ફેબ્રુઆરીએ થવાની છે.
મુંબઈ પાલિકામાં બહુમતી ભાજપ અને શિંદેસેના પાસે હોવાથી પાલિકામાં કારભાર તેમના જ હાથમાં રહેશે અને મેયર પણ તેમનો હોવાનું નિશ્ર્ચિત છે પણ પાલિકાની ૧૮ પ્રભાગ સમિતિમાંથી આઠ સમિતિ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે જવાની શક્યતા છે, જેમાં મુંબઈ શહેર અને ઉપનગરમાં પાલિકાના વોર્ડમાં મહાયુતિ અને ઠાકરેને એકસરખી સત્તા મળવાની શકયતા છે.
પાલિકામાં કુલ વોર્ડ ઓફિસની ૧૮ પ્રભાગ સમિતિ છે. આ ૧૮ પ્રભાગ સમિતિમાંથી આઠ સમિતિ પર ઠાકરેના નગરસેવકોને સમિતિનું અધ્યક્ષપદ મળવાનું છે. તેથી ઠાકરેના નગરસેવક સમિતિના અધ્યક્ષપદે બિરાજમાન થવાના છે. તેથી પાલિકામાં સત્તા નહીં હોવા છતાં અડધી મુંબઈ પર ઠાકરેનું વર્ચસ્વ રહેશે એવું જણાઈ આવે છે. તેથી ભાજપ-શિંદે ગ્રૂપને તેનો ફટકો પડી શકે છે.
એઆઈએમઆઈએમના આઠ નગરસેવક ચૂંટાઈ આવ્યા છે, તેથી ગોવંડી એમ-પૂર્વ વિભાગમાં તેમની પાસે પ્રભાગ સમિતિ જશે. અહીં પ્રભાગ સમિતિમાં એઆઈએમઆઈએમના આઠ સભ્ય તો ભાજપ-શિવસેનાના છ અને ઠાકરેનો એક નગરસેવક રહેશે. ભાંડુપ-એસ વોર્ડ અને મુલુંડ ટી વોર્ડની પ્રભાગ સમિતિમાં ઠાકરે અને મહાયુતિના સમાન સભ્ય છે. તેથી અહીં અધ્યક્ષની નિમણૂક ચિઠ્ઠી પર નક્કી થશે. તેથી આ સમિતિ પર કયા પક્ષનો અધ્યક્ષ બેસશે તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે.
એ અને બી વોર્ડની પ્રભાગ સમિતિમાં ભાજપ-શિંદેની મહાયુતિ, સી-ડી વોર્ડની પ્રભાગ સમિતિમાં મહાયુતિ, એફ-દક્ષિણ-એફ-ઉત્તરની પ્રભાગ સમિતિ અને જી-ઉત્તર પ્રભાગ સમિતિ, એચ-પૂર્વ-એચ-પશ્ર્ચિમ વોર્ડની પ્રભાગ સમિતિમાં ઠાકરેની યુબીટી સહિત તેના સાથી પક્ષોની આઘાડીના હાથમાં રહેશે. કે-દક્ષિણની પ્રભાગ સમિતિ મહાયુતિ, કે-ઉત્તર પ્રભાગ સમિતિમાં આઘાડી, કે-પશ્ર્ચિમ વોર્ડની પ્રભાગમાં મહાયુતિ, પી-દક્ષિણ પ્રભાગ સમિતિમાં મહાયુતિ, પી-પૂર્વ -પી-પશ્ર્ચિમ વોર્ડની પ્રભાગમાં આઘાડી, આર-દક્ષિણ પ્રભાગ સમિતિમાં આઘાડી, આર-મધ્ય-આર-ઉત્તર પ્રભાગ સમિતિમાં મહાયુતિ, એમ-પૂર્વ પ્રભાગ સમિતિમાં એઆઈએમઆઈએમ, એમ-પશ્ર્ચિમ વોર્ડની પ્રભાગમાં મહાયુતિ, એસ અને ટી વોર્ડની પ્રભાગ સમિતિમાં સમાન સભ્ય હોવાથી ચિઠ્ઠી નીકળશે અને એલ વોર્ડની પ્રભાગ સમિતિમાં આઘાડી તો એન વોર્ડની પ્રભાગ સમિતિ મહાયુતિના હાથમાં જશે



