રોશનીથી ઝળહળશે મરીન ડ્રાઇવ, BMCએ બનાવી યોજના

મુંબઇઃ લોકોથી ફાટફાટ થતા મુંબઇ શહેરમાં સાંજનો નિર્મળ આનંદ માણવા માટેનું લોકપ્રિય સ્થળ એટલે મુંબઇનો સૌથી જાણીતો મરીન ડ્રાઇવ વોટર ફ્રન્ટ. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત ઉપનગરોમાંથી પણ રોજ હજારો પ્રવાસીઓ અને મુલાકાતીઓ અહીં આવે છે અને આથમતા સૂરજના શીતળ કિરણોની મજા માણે છે. જોકે, આ વોટર ફ્રન્ટના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ઓછી હોવાથી સાંજ ઢળ્યા બાદ આ વિસ્તાર અંધાર્યો લાગે છે. હવે બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ એનો ઇલાજ શોધી કાઢ્યો છે. આપણે એ વિશે જાણીએ.
મરીન ડ્રાઇવ પર દૈનિક મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને BMCએ આ જાણીતા અને લોકપ્રિય વોટરફ્રન્ટ પર રોશની વધારવાનો નિર્ણય લીધો છેઆગામી થોડા સમયમાં બીએમસી એર ઇન્ડિયા બિલ્ડિંગના છેડાથી લઇને નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA) બિલ્ડિંગ સુધીના વિસ્તારમાં 110 LED લાઇટ ફિક્સર લગાવવાનો નિર્ણય લીધો છે, જે માટેનો અંદાજિત ખર્ચ 17 લાખ રૂપિયા થશે. આ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઇવ વોટર ફ્રન્ટની ફૂટપાથ પર આવેલા 55 વૃક્ષો નીચે LED લાઇટ ફિક્સર લગાવવામાં આવશે. આ લાઇટ્સ 30થી 40 વોટ સુધીની હશે.
નોંધનીય છે કે આ વિસ્તારમાં પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્ટેડિયમ પણ આવેલું છે. આ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જેવા કાર્યક્રમ દરમિયાન લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. એવા સમયે લોકોની સલામતી નિશ્ચિત કરવા માટે અહીં કામચલાઉ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે LED લાઇટ ફિક્સર લગાવવાથી જાહેર સલામતિ અને સુવિધા બંનેમાં વધારો થશે.
Also read: મરીન ડ્રાઇવથી વરલી સુધીના કોસ્ટલ રોડનો ૨૦૨૪થી પ્રારંભ: શિંદે
આ ઉપરાંત મુંબઇ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે બીએમસી બ્રીચ કેન્ડી અને વરલી વચ્ચે 7.5 કિમી. લાંબો વોટર ફ્ર્ન્ટ પણ બનાવી રહી છે. 70 હેક્ટરની ખુલ્લી જગ્યામાં વૃક્ષોથી આચ્છાદિત રસ્તાઓ, સાયકલ ટ્રેક અને સ્વાસ્થ્ય માટે જાગૃત લોકો માટે વોકીંગ ટ્રેક અને આરામ માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવશે.