હીરાવેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ…

મુંબઈ: ભારત ડાયમંડ બુર્સમાં ઑફિસ ધરાવતા હીરાવેપારી પાસેથી 48 લાખ રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયેલા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસના જણાવ્યા મુજબ હીરાવેપારી રસિક દેસાઈ (46)ની ફરિયાદને આધારે રૂપેશ સોની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સપ્તાહમાં હીરાની રકમ ચૂકવી દેવાની ખાતરી આપીને ફરિયાદીની ઑફિસમાંથી 48 લાખના હીરા લઈ આરોપી રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર એક હીરાવેપારી જ્ઞાનચંદ મારફત આરોપી સોનીની ઓળખાણ ફરિયાદી સાથે થઈ હતી. આઠમી ઑક્ટોબર, 2024ના રોજ જ્ઞાનચંદ આરોપીને ફરિયાદીની ઑફિસમાં લઈ ગયો હતો અને તેની આરોપીની ઓળખાણ એક જ્વેલરી ફર્મના પાર્ટનર તરીકે કરાવી હતી. તે સમયે સોનીએ 21 લાખ રૂપિયાના નૅચરલ ડાયમંડ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જ્ઞાનચંદ સાથે અગાઉ પણ વ્યવહાર કરવામાં આવ્યો હોવાથી ફરિયાદીને તેના પર વિશ્ર્વાસ હતો. પરિણામે ફરિયાદીએ 21 લાખ રૂપિયાના હીરા ક્રેડિટ પર સોનીનેે આપ્યા હતા. રસીદ પર સોની અને જ્ઞાનચંદના હસ્તાક્ષર પણ લીધા હતા.
બીજે દિવસે આરોપી ફરી દેસાઈની ઑફિસમાં આવ્યો હતો અને વધુ 27 લાખ રૂપિયાના હીરા લઈ ગયો હતો. તે સમયે પણ જ્ઞાનચંદે સાક્ષી તરીકે રસીદ પર હસ્તાક્ષર કર્યા હતા. બન્ને વખત લીધેલા હીરાની કિંમત 48 લાખ રૂપિયા અઠવાડિયામાં ચૂકવી દેવાની ખાતરી સોનીએ આપી હતી.
Also read : પહેલાથી નવમા ધોરણની પરીક્ષા પચીસ એપ્રિલ સુધીમાં, વિદ્યાર્થીઓનું વેકેશનનું પ્લાનિંગ બગડશે!
જોકે અઠવાડિયું વીત્યા પછી સોની નાણાં ચૂકવવા માટે વારંવાર સમય માગતો હતો. બાદમાં તેનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ્ફ આવવા લાગતાં પોતે છેતરાયો હોવાનું વેપારીને લાગ્યું હતું. વેપારીએ આ મામલે બીકેસી પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદની ખાતરી કર્યા પછી પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.