મુંબઈ ચોમાસાજન્ય બીમારીના ભરડામાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મચ્છર કરડવાથી થતા મલેરિયાના કેસમાં બમણો વધારો નોંધાયો છે. તો ચિકનગુનિયા કેસમાં પાંચ ગણો વધારો નોંધાયો હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ મહિનામાં મલેરિયાના ૨,૮૫૨ કેસ સામે આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સમયગાળામાં ૪,૧૫૧ કેસ નોંધાયા છે. ગયા વર્ષે વર્ષના પહેલા છ મહિનામાં ચિકનગુનિયાના ૪૬ સામે આ વર્ષે આ સમયગાળામાં ૨૬૫ કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં ડેન્ગ્યૂના ૯૬૬ કેસ સામે આ વર્ષે ૧,૧૬૦ કેસ નોંધાયા છે.
લેપ્ટોના ગયા વર્ષે છ મહિનામાં ૨૮૧ સામે આ વર્ષે ૨૪૪ અને ગૅસ્ટ્રોના ૫,૪૩૯ કેસ સામે આ વર્ષે ૫,૧૮૨ કેસ નોંધાયા છે. હેપેટાઈટિસના ૪૯૩ સામે આ વર્ષે ૬૧૩ અને કોવિડના ૧,૬૪૬ કેસ સામે આ વર્ષે ૧,૦૯૪ કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લેપ્ટો અને ગૅસ્ટ્રોના કેસમાં નજીવો ઘટાડો થયો છે.
મલેરિયા અને ડેન્ગ્યૂ માટે જવાબદાર ગણાતા અનોફીલીસ અને એડેસી મચ્છરોના લાર્વાને શોધી કાઢવા માચે પાલિકા દ્વારા જુલાઈ મહિનામાં ‘ઝીરો મોસ્ક્યુટો બ્રિડીંગ કૅમ્પેઈનને અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ દરમ્યાન પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પહેલી જુલાઈથી ૩૧ જુલાઈ સુધીના સમયગાળામાં તાવના દર્દી શોધવા માટે ૧૪,૩૯,૯૭૮ ઘરના સર્વેક્ષણ કર્યા હતા.
જેમાં ૬૯,૮૯,૦૯૩ લોકોને તપાસીને તેમાંથી ૨,૩૧,૧૧૨ લોકોના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ સમયગાળામાં ૬૩ જગ્યાએ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૪૬,૪૧૩ પ્રજનન સ્રોતની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૬,૪૭૨ ઍનોફિલીસ મચ્છરોની ઉત્પત્તી સ્થળો મળી આવ્યા હતા.
ડેન્ગ્યૂને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવેલા સર્વેક્ષણ દરમ્યાન ૨૯,૮૪૧ જગ્યાએ એડિસ મચ્છરોના ઉત્પત્તી સ્થળ મળી આવ્યા હતા. ૮૬,૯૧૫ જગ્યાએથી નકામો સામાન અને ટાયર કાઢી નાખવામાં આવ્યા હતા. ૫૨,૫૯૩ જગ્યાએ ફોગિંગ કરવામાં આવ્યું હતું.