
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનએ મુંબઈગરાની લાઈફલાઈન છે. રોજ લાખો પ્રવાસી લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઉપનગરીય લોકલ માટે પશ્ચિમ, મધ્ય અને હાર્બર એમ ત્રણ મુખ્ય માર્ગો છે. વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી અને પનવેલથી નાગરિકો મુંબઈ કામ માટે આવે છે. તેથી જ લોકલમાં હંમેશા ભીડ રહે છે. સ્થાનિક ભીડ ઘટાડવા માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે કેન્દ્રીય રેલવે પ્રધાને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં બોલતા માહિતી આપી છે કે મુંબઈ માટે ટૂંક સમયમાં 238 નવી લોકલ દોડાવવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે નવી ટેક્નોલોજીના ડબ્બા અંગે ચર્ચા કરવામાં આવી છે. મુંબઈમાં જૂની ટ્રેનો અને કોચ બદલવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકલ સેવા વધારવા માટે માંગ ઉઠી રહી છે. લોકલ સેવા વધાર્યા બાદ ભીડ ઓછી થવાની શક્યતા છે. રેલવે મુસાફરોની આ માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું હતું.
આ પણ વાંચો: આ સ્ટેશનો નજીક લોકલ ટ્રેનો ઝુકવા લાગતા પ્રવાસીઓને માથે જોખમ
પનવેલ અને કર્જતને જોડતી રેલ લિંકનું કામ ચાલી રહ્યું છે અને શનિવારે તંત્રને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવામાં સફળતા મળી હતી. પ્રથમ ‘એન્ડ અનલોડિંગ રેક’ આ લાઇન પર મોહોપે સ્ટેશનથી ચલાવવામાં આવી હતી. 260 મીટર લાંબી અને 60 કિગ્રા વજનની રેલ પેનલ્સ એન્ડ અનલોડિંગ રેકનો ઉપયોગ કરીને ચલાવવામાં આવી હતી. શનિવારે સવારે 5 વાગ્યાની આસપાસ આ ટેસ્ટ લેવામાં આવી હતી.
આ રેકનો ઉપયોગ કરીને પનવેલ-કર્જત રૂટમાં લાંબા વેલ્ડેડ રેલ ટ્રેક નાખવામાં આવશે. અગાઉ 2016માં, રેલવેએ હંગામી રૂપે પ્રાપ્ત રેકનો ઉપયોગ કરીને મોહોપે – ચીખલે વચ્ચે ટ્રેક જોડાણ પૂર્ણ કર્યું હતું. હવે ડિઝાઈન કરાયેલા રેક આવ્યા બાદ નવા ટ્રેક નાખવાની પ્રક્રિયા શરૂ થશે.