મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો

કારશેડમાં નોન-એસી લોકલ ટ્રેનનું સફળ ટ્રાયલ, ડિસેમ્બર 2025 સુધીમાં ક્લોઝ ડોર ટ્રેન શરૂ થશે
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેને આધુનિક બનાવવા માટે મોટી મોટી યોજનાઓ હાથ ધર્યા પછી પણ ઝીરો એક્સિડન્ટ ટાર્ગેટને અચીવ કરવામાં રેલવેને મુશ્કેલી પડી રહી છે, પરંતુ પ્રયાસ ચાલુ છે. મધ્ય રેલવેમાં ખાસ કરીને ક્લોઝ ડોર લોકલ ટ્રેનની વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે, જ્યારે એના માટે ટ્રાયલ પણ હાથ ધરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યા પછી મુંબઈની લોકલ ટ્રેન પણ ક્લોઝ ડોર બની શકે છે, તેનાથી અકસ્માતમાં નિયંત્રણ આવી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેના કુર્લા કારશેડમાં ઓટોમેટિક ક્લોઝ ડોર લોકલ ટ્રેનનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો. મધ્ય રેલવેના જનરલ મેનેજર ધરમ વીર મીણાની ઉપસ્થિતિમાં રેલવેએ ટ્રાયલ હાથ ધર્યો હતો. મુંબઈમાં આ વર્ષના અંત સુધીમાં ક્લોઝ ડોર લોકલ ટ્રેન શરુ કરી શકાય છે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ ગયા અઠવાડિયા દરમિયાન જાહેરાત કરી હતી.
મુંબઈમાં પ્રવાસીઓની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ક્લોઝ ડોર લોકલ ટ્રેનની જરુરિયાત છે, જેથી હવે તમામ લોકલ ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે. હાલના તબક્કે લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ક્લોઝ ડોરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસી લોકલમાં તો પહેલાથી ક્લોઝ ડોર છે, પરંતુ નોન-એસી લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ક્લોઝ ડોર રાખવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા પર સવાલ: ચાર દિવસમાં છેડતીના 7 બનાવ
અગાઉની યોજના પ્રમાણે સોમવારે કુર્લા કારશેડમાં નોન-એસી લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ક્લોઝ ડોરનો ટ્રાયલ હાથ ધર્યો હતો, જે સફળ રહ્યા પછી ડિસેમ્બર, 2025 સુધીમાં તમામ ટ્રેન ઓટોમેટિક ક્લોઝડોરવાળી હોવાથી પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનવાનું અટકી શકે છે. ચાલતી લોકલ ટ્રેન પકડવા અથવા પડવાના કેસમાં પણ ઘટાડો થઈ શકે છે. ઉપરાંત, ચાલતી ટ્રેનમાં લટકવાનું બંધ થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર વાગતા યુવતી ઘવાઈ, સપ્તાહમાં ત્રીજો બનાવ
મધ્ય રેલવેના મુમ્બ્રા રેલવે સ્ટેશને એક બેગને કારણે પાંચ પ્રવાસીનો ભોગ લેવાયો હતો. મુમ્બ્રા સ્ટેશન ખાતે સીએસએમટી – કર્જત લોકલના નવમા અને દસમા કોચના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરની બેગ લગભગ 30 સેમી બહાર હતી. જેથી વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કસારા-સીએસએમટી લોકલ ટ્રેનના બીજા અને ત્રીજા કોચના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરો સાથે બેગ અથડાઈ હતી. પરિણામે, મુસાફરો એકબીજા સાથે અથડાયા, કેટલાક ટ્રેનની અંદર તો કેટલાક પાટા પર પડ્યા હતા, જેના પછી રેલવેએ અકસ્માત નિયંત્રણ માટે ગંભીરતા દાખવી હતી. મુંબઈ રેલવેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 7,565 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા, જ્યારે 7,293 પ્રવાસીને ઈજા પહોંચી હતી, એમ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો.