લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે રેલવેની મહત્ત્વની જાહેરાત, જરૂર હોય તો જ…

મુંબઈઃ આવતીકાલે જો તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલાં આ મહત્ત્વના સમાચાર વાંચીને ત્યાર બાદમાં જ તમારો આઉટિંગનો પ્લાન બનાવજો. 9મી નવેમ્બરના રોજ સિગ્નલ મેઈન્ટેનન્સ, ટ્રેક મેઈન્ટેનન્સ સહિતના અનેક મહત્ત્વના કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે રવિવારની રજાની મજા બગડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. જો તમે પણ આવતીકાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો આ સમાચાર જાણી લેજો, જેથી પાછળથી હેરાન થવાનો વારો ના આવે.
માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મેગા બ્લોક
મધ્ય રેલવે પર માટુંગા-મુલુંડ વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી અપ-ડાઉન ફાસ્ટ લાઈન મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન લોકલ ટ્રેનો વિક્રોલી, ભાંડુપ, નાહુર અને કાંજુરમાર્ગ, સાયન સહિતના સ્ટેશન પર ઊભી રહેશે. જેને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે અને લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડી શકે છે.
હાર્બર લાઈન પર પણ ટ્રેનોના ધાંધિયા
\હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન બંને લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. જેને કારણે સીએસએમટીથી વાશી, બેલાપુર પનવેલ વચ્ચે અપ-ડાઉન લોકલ ટ્રેનો બંધ રહેશે. નેરુલ, બેલાપુર પનવેલથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને કુર્લા સુધીની મર્યાદિત સેવાનો લાભ મળશે.
બ્લોકના સમય દરમિયાન સીએસેમટી-કુર્લા અને વાશી-પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત બ્લોકના સમય દરમિયાન પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સાંતાક્રુઝ-ગોરેગાંવ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક
પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે સાંતાક્રુઝ-ગોરેગાંવ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન દોડાવવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન રામ મંદિર અને વિલેપાર્લે સ્ટેશન પર ટ્રેન નહીં ઊભી રહે. આ બંને સ્ટેશનો પર પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ હાર્બર લાઈન પરથી પ્રવાસ કરે છે.
પ્રવાસીઓને રેલવેની ખાસ અપીલ
બ્લોકના સમયગાળા દરમિયાન જો ખૂબ જ આવશ્યક હોય તો જ બહાર નીકળવાની અપીલ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આ સિવાય સ્ટેશન પરની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે સ્ટેશન પર વધારાના કર્મચારીઓ તહેનાત રહેશે, એવી માહિતી પણ રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો…પાડાના વાંકેઃ રેલ કર્મચારીના આંદોલનને કારણે લોકલ ટ્રેન સેવા અટકી, પ્રવાસીઓ રઝળ્યાં



