લોકલ ટ્રેનમાં સીટ માટે બે પ્રવાસી વચ્ચેના ઝઘડામાં ત્રીજાની આંખ ફૂટી

બાંદ્રા સ્ટેશને ટ્રેક પર કૂદી આરોપીએ ફેંકેલો પથ્થર યુવકની આંખમાં વાગ્યો: ઘટના બાદ ફરાર થયેલો આરોપી દાદર વિસ્તારમાંથી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરવાને મુદ્દે થયેલા વિવાદમાં શસ્ત્રના ઘા ઝીંકીને કોલેજના પ્રોફેસરની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાને હજી પખવાડિયું વીત્યું નથી ત્યાં લોકલ ટ્રેનમાં સીટ માટે બે પ્રવાસી વચ્ચેના ઝઘડામાં 28 વર્ષના યુવકની આંખ ફૂટી હતી.
ટ્રેન બાંદ્રા સ્ટેશન પર પહોંચી ત્યારે ટ્રેક પર કૂદી આરોપીએે ફેંકેલો પથ્થર યુવકની આંખમાં વાગતાં તેને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના બાદ ફરાર થયેલા આરોપીને રેલવે પોલીસે 36 કલાકમાં દાદર વિસ્તારથી ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો.
આપણ વાચો: લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો
બાંદ્રા રેલવે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ યોગેન્દ્ર વંશરાજ બૌદ્ધ (26) તરીકે થઇ હતી, જે વસઇના નવઘર વિસ્તારમાં રહે છે અને મજૂરીકામ કરે છે.
દાદર પૂર્વ સ્થિત સેનાપતિ બાપટ માર્ગ પર મનીષ માર્કેટ નજીક રહેનારા નિશાંત રત્નકુમાર ખત્રી (28)એ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટેશનમાં માસ્ટર્સ કર્યું હતું. ખાનગી કંપનીમાં અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા નિશાંતે 3 ફેબ્રુઆરીએ દિવસભરનાં કામ પતાવ્યા બાદ ઘરે જવા માટે અંધેરી રેલવે સ્ટેશન પરથી રાતે 10.40 વાગ્યાની ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલ પકડી હતી.
ટ્રેનમાં અંધેરીથી બે પ્રવાસી વચ્ચે બેસવાની જગ્યાને લઇ ઝઘડો થઇ રહ્યો હતો. ટ્રેન રાતે 11 વાગ્યાની આસપાસ બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર આવી ત્યારે બંનેમાંથી એક પ્રવાસી ટ્રેક પર ઊતર્યો હતો અને તેણે પથ્થર ઊંચકીને બીજા પ્રવાસીને માર્યો હતો, પણ તે બચી ગયો હતો. ટ્રેન પર પથ્થર ફેંકાતાં અન્ય પ્રવાસીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
આપણ વાચો: મેટ્રો કે કુસ્તીનો અખાડોઃ મહિલાઓ દે ધનાધન બાખડી, જુઓ વીડિયો…
દરમિયાન તેણે બીજો પથ્થર ફેંકતાં તે નિશાંત ખત્રીની ડાબી આંખમાં વાગ્યો હતો. આંખમાં ગંભીર ઇજા પહોંચતાં નિશાંત ટ્રેનમાંથી ઊતર્યો હતો અને રાતે ડ્યૂટી પર હાજર પોલીસ કર્મચારીઓ તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ ગયા હતા.
આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને નિશાંતે આપેલા વર્ણનને આધારે પથ્થર ફેંકનારા આરોપીની શોધ ચલાવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી નજરે પડ્યો હતો. ફૂટેજમાં નજરે પડેલો આરોપી દાદર વિસ્તારમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને તેને ઝડપી પાડ્યો હતો.



