મુંબઇ સેન્ટ્રલ પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી: પશ્ચિમ રેલવે સેવા ખોરંભાઇ
મુંબઇ: બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ નજીક પાટા પરથી ઉતરી હતી. સદનસીબે આ ટ્રેન કારશેડમાં જઇ રહી હોવાથી તેમાં કોઇ મુસાફર નહતાં જેને કારણે મોટી હોનારત થતાં બચી ગઇ છે. આ ઘટનાને કારણે પશ્ચિમ રેલવે પરની લોકલ સેવા ખોરંભાઇ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ મધ્ય રેલવેના પનવેલ-કળંબોલી પાસે એક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.
બુધવારે સવારે પશ્ચિમ રેલવે લાઇન પર મોટી દુર્ઘટના થતાં ટળી હતી. લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ મુંબઇ સેન્ટ્રલ પાસે એક લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. આ ટ્રેન ખાલી હતી અને કારશેડ જઇ રહી હતી. દરમીયાન મુંબઇ સેન્ટ્રલ નજીક ટ્રેનનું એક વ્હિલ પાટા પરથી સરકી ગયું હતું.
આ ટ્રેનને પાટા પર લાવી કાર શેડમાં લઇ જતાં ઘણો સમય ગયો લાગ્યો હતો જેને કારણે ચર્ચગેટથી વિરાર લોકલ સેવા 20 થી 25 મિનીટ મોડી દોડી રહી હતી. ઉપરાંત તમામ ડાઉન સ્લો લોકલ ડાઉન ફાસ્ટ ટ્રેક પર ડાઇવર્ટ કરવામાં આવી હતી આ લોકલ કારશેડમાં જઇ રહી હોવાથી ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહતી.