હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…
મુંબઇઃ લોકલ ટ્રેન સેવા મુંબઇની લાઇફલાઇન ગણાય છે. મુંબઈના મોટા ભાગમા નાગરિકો તેમની રોજિંદી મુસાફરી માટે લોકલ ટ્રેનો પર ખૂબ આધાર રાખે છે. એવામાં અઠવાડિયાના પહેલા જ દિવસે ટ્રેન સેવામાં ધાંધિયા થાય તો લોકોની કેવી હાલત થાય એ તમે કલ્પી શકો છે. આજે સવારે મધ્ય રેલવેના થાણે સ્ટેશન નજીક ટેક્નિકલ ખામી સર્જાતા CSMT તરફ ફાસ્ટ લાઇનનો ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. ટ્રેનો તેના નિયત સમય કરતાં 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી હતી. જો કે, મધ્ય રેલવેએ આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો : Central Railwayના હેરિટેજ સ્ટેશન પર ગણપતિ અને હનુમાનજીના શિલ્પોની કરી સ્થાપના
આજે સવારે લાંબા અંતરની ટ્રેનમાં સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાને કારણે મધ્ય રેલવેની ફાસ્ટ લાઇનની ટ્રેનો પ્રભાવિત થઇ હતી, જેને કારણે દૈનિક મુસાફરોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ લાતુર એક્સપ્રેસમાં ટેકનિકલ ખામીને કારણે તેને કલવા અને થાણે સ્ટેશન વચ્ચે રોકી દેવામાં આવી હતી. આને કારણે ટ્રેન સેવાઓમાં વિક્ષેપ પડ્યો હતો. કલ્યાણ અને કર્જતથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ મુસાફરી કરનારાઓને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો.
લાતુર એક્સપ્રેસમાં ટેકનિકલ ખામીને સુધારવા માટે હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે. સમસ્યાનું નિરાકરણ આવ્યા બાદ ટ્રેન સેવા પૂર્વવત કરવામાં આવશે. જો કે, ચાલુ સમારકામના કામે સેન્ટ્રલ લાઇન પર ઘણી લોકલ ટ્રેનો પહેલાથી જ રદ કરવામાં આવી છે, જેને કારણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. અઠવાડિયાના પ્રથમ કામકાજના દિવસે જ ટ્રેન સેવા ખોરવાતા પ્રવાસીઓ રોષે ભરાયા છે, કારણે કે તેમને ઑફિસ પહોંચવામાં મોડુ થઇ રહ્યું છે. ટ્રેન સેવા ખોરવાતા ઓફિસે જતા લોકો અને શાળાઓ અને કોલેજો માટે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને અસર પહોંચી છે.