UTS Appમાં થયા આ ફેરફાર, મુંબઈ લોકલમાં પ્રવાસ કરનાર પ્રવાસીને મળશે આનો લાભ…

મુંબઈ: લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવે દ્વારા રેલવેની UTS Appમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને એને કારણે પ્રવાસીઓએ ટિકીટ કઢાવવા માટે હવે લાંબી લાંબી લાઈનોમાં રાહ જોવાની બિલકુલ જરૂર નથી. પ્રવાસીઓ હવે પ્લેટફોર્મ પરથી જ UTS App પરથી ટિકિટ કઢાવી શકશે.
મંગળવારે જ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે હજારો પ્રવાસીઓને રાહત મળશે, એવો વિશ્ર્વાસ રેલવે અધિકારીઓ દ્વારા વ્યકત કરાઈ રહ્યો છે.
મુંબઈ લોકલએ મુંબઈગરાની લાઇફલાઇન છે અને અનેક મહત્વના રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડો પર ટિકિટ કઢાવવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. પ્રવાસીઓને રાહત આપવા માટે રેલવે દ્વારા UTS App પરથી ઓનલાઈન ટિકિટ અને માસિક પાસ કઢાવવાની સુવિધા આપવામાં આવી હતી. પણ આ સુવિધાની પણ કેટલીક મર્યાદાઓ હતી.
અધિકારીએ આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં રેલવે ટ્રેકથી 20 મીટરના દાયરા બહારથી જ ટિકિટ કઢાવી શકાતી હતી પણ હવે રેલવેએ પોતાના આ નિર્ણયને બદલીને UTS App પરથી ટિકિટ કઢાવવાની 20 મીટરની મર્યાદાને હટાવીને 0 મીટર કરી દીધી છે.
રેલવેએ UTS App પરથી ટિકિટ કઢાવવા માટે આખા દેશમાં જિયો ફેંસિંગ કરાવી હતી. આવું કરવાનું કારણ એવું હતું કે લોકો ટિકિટ ચેકરને જોઈને ટ્રેનમાં ટિકિટ બુક કરી શકે છે અને એટલે જ સ્ટેશન પરિસરના 20 મીટર દૂરથી જ એપ પર ટિકિટ બુક કરી શકાતી હતી. પણ હવે રેલવેએ આ મર્યાદા હટાવી દીધી છે અને એટલે હવે UTS App પરથી ટિકિટ કઢાવવા માટે પ્રવાસીઓએ પાછા સ્ટેશનની બહાર નહીં જવું પડે અને તેઓ પ્લેટફોર્મ પરથી એપ પરથી ટિકિટ બુક કરાવી શકશે.
રેલવેના આ નિર્ણયને કારણે હજારો પ્રવાસીઓને રાહત થવાની છે કારણ કે મોટાભાગના પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માટે આ એપનો ઉપયોગ કરે છે. રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 25 ટકા ટિકિટો UTS App પરથી જ કઢાવવામાં આવે છે.