… તો વંદે ભારત મુંબઇગરા માટે માથાનો દુ:ખાવો બનશે! લોકલ સેવાને લાગશે ફટકો
મુંબઇ: વધુ ગતીશીલ સેવા અને આકર્ષક લૂકને કારણે વંદે ભારત એક્સપ્રેસ ખૂબ જ લોકપ્રિય બની છે. દેશમાં અનેક વંદે ભારત દોડી રહી છે ત્યાં મહારાષ્ટ્રમાં પણ પાંચ વંદે ભારત ટ્રેનની સેવા શરુ છે. અને હવે મહારાષ્ટ્રને છઠ્ઠી વંદેભારત મળી છે. નવા વર્ષથી મુંબઇ-જાલના વંદે ભારત સેવા શરુ થવાની છે. મુસાફરો માટે ભલે તે ગૂડ ન્યુઝ હોય પણ તે મુંબઇગરા માટે માથાનો દુ:ખાવો બની શકે છે.
હવે તમે વિચારશો કે આટલી બધી સુવિધા, શ્રેષ્ઠ ગતી છતાં વંદે ભારત જેવી ટ્રેન મુંબઇગરા માટે માથાનો દુ:ખાવો કેમ બનશે? તો તેનું કારણ એ છે કે આ નવી ટ્રેનને કારણે રેલવેના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવનાર છે. પરિણામે મુંબઇની અનેક ટ્રેન અને લોકલના ટાઇમ ટેબલમાં પણ ફેરફાર થઇ શકે છે. જોકે આ બદલાયેલા ટાઇમ ટેબલની મોટી અસર સામાન્ય મુંબઇગરાને થશે. તેમની મુસાફરીમાં વધુ વિલંબ થવાની શક્યતાઓ છે.
વંદે ભારત થોડા જ સમયમાં ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે. મુસાફરીનો ઓછો સમય, સારી સુવિધાઓ અને વ્યજબી દરને કારણે ફ્લાઇટથી મુસાફરી કરવાના બદલે અનેકજણ વંદે ભારતને પસંદ કરે છે. હાલમાં મહારાષ્ટ્રમાં પાંચ વંદે ભારત દોડી રહી છે. રાજ્યમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસ મુંબઇથી ગાંધીનગર સુધી શરુ થઇ હતી.
ત્યાર બાદ મુબઇથી સોલાપૂર, મુંબઇથી સાંઇનગર શિરડી, મુંબઇથી ગોવા, અને નાગપૂરથી બિલાસપૂર આ માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ શરુ થઇ. હવે મહારાષ્ટ્રની જનતા માટે સારા સમાચારો આવ્યા છે. નવા વર્ષથી મહારાષ્ટ્રને નવી અને છઠ્ઠી વંદે ભારત ટ્રેન મળવાની છે.
મધ્ય રેલવે પર હાલમાં સીએસએમટી-શિરડી, સીએસએમટી-સોલાપૂર તથા સીએસએમટી-મડગાવ એવી ત્રણ વંદે ભારત ટ્રેન દોડે છે. આવનારી 30મી ડિસેમ્બરથી આ નવી વંદે ભારત એક્સપ્રેસ શરુ થવાની હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. નવા વર્ષથી મુંબઇથી જાલના સુધી આ નવી વંદે ભારત એક્સપ્રેસ દોડશે. પણ મુંબઇગરા માટે આ નવી ટ્રેન માથાનો દુ:ખાવો એટલા માટે બનશે કે આ નવી ટ્રેન માટે રેલવેના સમય પત્રકમાં ફેરફારો કરવામાં આવનાર છે. જેમાટે 13 એક્સપ્રેસ ટ્રેન અને 7 લોકલ ટ્રેનનો સમય બદલવામાં આવનાર છે. પરિણામે મુંબઇગરાની મુસાફરીમાં વધુ વિલંબ આવવાની શક્યતાઓ રહેલી છે.