આમચી મુંબઈ

આનંદો, મુંબઈગરાને મળશે 100 નવી લોકલ ટ્રેનો, એસી લોકલ ટ્રેનો માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને આવનારા સમયમાં આ લાઈફલાઈનનો ચહેરોમહોરો બદલાવવા જઈ રહ્યો છે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે હજારો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ બધા વચ્ચે આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આમ આદમીના ખિસ્સાને પોષાય એવી નોન એલી લોકલ સેવા કાયમ રાખવા માટે રેલવે દ્વારા નિયોજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં કેટલીય એવી લોકલ ટ્રેનો છે કે જેમને સેવામાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે. પ્રવાસીઓની સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ જરૂરી છે અને રેલવે દ્વારા આ લોકલ ટ્રેનોની જગ્યાએ નવી લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે દ્વારા આગામી કાળમાં કેટલી નોન એસી લોકલ દોડાવવાની જરૂર પડશે, એનો સવિસ્તર અહેવાલ રેલવે પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પ્રવાસીઓ 100 નવી લોકલ ટ્રેનો મળે એવી શક્યતા છે.

આ પણ વાંચો : Good News: 5 વર્ષમાં દોડશે 700થી વધુ નવી લોકલ ટ્રેન, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?

મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (એમઆરવીસી દ્વારા) 238 નવી એસી લોકલ ટ્રેનો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એમાંથી પહેલી એસી લોકલ ટૂંક સમયમાં દોડાવવામાં આવશે. જોકરે, એસી લોકલની સંખ્યામાં વધારો કરવામાં આવશે તો સર્વસામાન્ય પ્રવાસીઓને પોષાય એવી નોન એસી લોકલ ટ્રેનોની બંધ ન થાય એની તકેદારી રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.

પ્રાથમિક અંદાજ પ્રમાણે 2030 સુધી આશરે 2030 નોન એસી લોકલ ટ્રેનની આવશ્યકતા ઊભી થશે અને એને કારણે રેલવે દ્વારા નોન એસી લોકલ ટ્રેનોની સંખ્યા ટકાવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવે દ્વારા હાલમાં દરરોજ 1820 સર્વિસ દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલવે પાસે હાલમાં 1406 સર્વિસ દોડાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા 12 ડબાની ટ્રેનને ભવિષ્યમાં 15 ડબાની કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : ચાલતી લોકલમાં મોટરમૅનનું સ્વાસ્થ્ય બગડ્યું: સમયસર ટ્રેન ઊભી રાખતાં દુર્ઘટના ટળી

મધ્ય અને પશ્ચિમ રેલવેના મહત્વના પ્રોજેક્ટ્સ

⦁ મધ્ય રેલવે: નવી પનવેલ–કર્જત લાઈન મે, 2026 સુધીમાં અને કલ્યાણ–આસનગાંવ ચોથી લાઈન ડિસેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ થશે.
⦁ પશ્ચિમ રેલવે: વિરાર–ડહાણુ ત્રીજી અને ચોથી લાઈન ડિસેમ્બર, 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
⦁ હાર્બર વિસ્તરણ: ગોરેગાંવ–બોરીવલી હાર્બર લાઈનનું કામ વર્ષ 2028ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

રૂ. 18,364 કરોડના પ્રોજેક્ટ્સ અને સમયમર્યાદા

મુંબઈ મહાનગર ક્ષેત્રમાં હાલમાં 400 કિમી લંબાઈના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં નવી લાઈનો અને આધુનિકીકરણનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો પાછળ અંદાજે રૂ. 18,364 કરોડનો ખર્ચ થશે અને મોટાભાગના પ્રોજેક્ટ્સ આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (MRVC) દ્વારા વધારાની 238 એસી લોકલ ટ્રેનો માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button