વિલે પાર્લે, રામ મંદિર, કરી રોડ, ચિંચપોકલી, મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ પર લોકલ નહીં

મધ્ય રેલવે અને પશ્ર્ચિમ રેલવેમાં રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો માટે મેગા બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રવિવારે મધ્ય રેલવે અને પશ્ર્ચિમ રેલવેમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો માટે મેગા બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવે પર મેગા બ્લોકને કારણે, પ્લેટફોર્મના અભાવે કરી રોડ, ચિંચપોકલી, મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો પર લોકલ હોલ્ટ રદ કરવામાં આવશે. જ્યારે, પશ્ર્ચિમ રેલવે પર બ્લોકને કારણે રવિવારે વિલે પાર્લે, રામ મંદિર પર લોકલ હોલ્ટ રદ કરવામાં આવશે.
સીએસએમટી – વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક લેવામાં આવ્યો હોવાથી સીએસએમટીથી સવારે 10.48 થી બપોરે 3.45 વાગ્યા સુધી ઉપડતી ડાઉન સ્લો લાઇનની લોકલ ટ્રેનોને સીએસએમટી – વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે.
આપણ વાચો: મુમ્બ્રા દુર્ઘટના બાદ મધ્ય રેલવે સફાળું જાગ્યું: અકસ્માતો રોકવા માટે જાણો શું લીધા પગલાં
આ લોકલ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, શિવ અને કુર્લા સ્ટેશનો પર થોભશે અને વિદ્યાવિહાર સ્ટેશન પર ફરીથી ડાઉન સ્લો લાઇન પર વાળવામાં આવશે. ઘાટકોપરથી સવારે 10.19 થી બપોરે 3.52 વાગ્યા સુધી ઉપડતી અપ સ્લો લાઇનની લોકલ ટ્રેનો વિદ્યાવિહાર-સીએસએમટી વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. આ લોકલ ટ્રેનો કુર્લા, શિવ, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર થોભશે.
હાર્બર લાઇનમાં પનવેલ અને વાશી સ્ટેશનો વચ્ચે (પોર્ટ લાઇન સિવાય) અપ અને ડાઉન લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવ્યો હોવાથી પનવેલથી સીએસએમટી સુધીની અપ હાર્બર લાઇનની લોકલ ટ્રેનો સવારે 10.33થી બપોરે 3.49 વાગ્યા સુધી અને સીએસએમટીથી બેલાપુર/પનવેલ સુધીની ડાઉન લાઇનની લોકલ ટ્રેનો સવારે 9.45થી બપોરે 3.12 વાગ્યા સુધી રદ કરવામાં આવશે.
આપણ વાચો: આવતીકાલે મધ્ય રેલવે પર રહેશે ટ્રેનોના મહાધાંધિયા, પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત…
પનવેલથી થાણે સુધીની અપ હાર્બર લાઇન લોકલ ટ્રેનો સવારે 11.02થી 3.53 વાગ્યા સુધી અને થાણેથી પનવેલ સુધીની ડાઉન લાઇન લોકલ ટ્રેનો સવારે 10.01થી 3.20 વાગ્યા સુધી રદ કરવામાં આવશે. મેગા બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી અને વાશી વચ્ચે ખાસ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે. ઉપરાંત, ટ્રાન્સ-હાર્બર લાઇન અને થાણે અને વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે પોર્ટ લાઇન પર સેવાઓ ઉપલબ્ધ રહેશે.
પશ્ર્ચિમ રેલવેમાં સાંતાક્રુઝ-ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર અપ અને ડાઉન લાઈન પર સવારે 10 થી 3 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવ્યો હોવાથી ફાસ્ટ લાઇન પર સાંતાક્રુઝ-ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન લોકલ સેવાઓ ચલાવવામાં આવશે.
વિલે પાર્લે રેલ્વે સ્ટેશનનો ફાસ્ટ પ્લેટફોર્મ પૂરતો લાંબો ન હોવાથી લોકલ સેવાઓ અહીં રોકાશે નહીં. બીજી તરફ, રામ મંદિર રેલવે સ્ટેશન પર ફાસ્ટ પ્લેટફોર્મ ન હોવાથી લોકલ સેવાઓ અહીં રોકાશે નહીં. વિલે પાર્લે અને રામ મંદિર માટે હાર્બર લાઇન પર લોકલ સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ બ્લોકને કારણે, કેટલીક લોકલ સેવાઓ રદ કરવામાં આવશે. બોરીવલી અને અંધેરીથી ગોરેગાંવ સુધી હાર્બર લાઇન પર કેટલીક લોકલ સેવાઓ દોડશે.



