લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓને ટિકિટ કે પાસ સાથે એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ આપવાની માગણી

મુંબઈઃ મુંબ્રા ખાતે જૂન મહિનામાં બે લોકલ ટ્રેનમાંથી પડીને પાંચ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા, જ્યારે નવ પ્રવાસીને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો એરણે આવ્યો હતો. વીજેટીઆઈના અહેવાલમાં પણ આ અકસ્માત રેલવે અધિકારીના બેદરકારીને કારણે થયો છે એવું સ્પષ્ટ થયું છે. આ ઘટના બાદ હવે એકીકરણ સમિતી પ્રતિનિધિ આનંદા મારુતી પાટિલે ઉપનગરીય રેલવે પ્રવાસીઓ માટે ટિકિટ કે માસિક પાસની સાથે સાથે એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ યોજના તાત્કાલિક લાગુ કરવાની માગણી કરી છે. આ સંદર્ભનો પત્ર પણ તેમણે રેલવેને મોકલાવ્યો છે.
મધ્ય રેલવે પર મુંબ્રા સ્ટેશન નજીક વળાંક પાસે કસારાથી સીએસએમટી જનારી અને સીએસએમટીથી કર્જત જતી લોકલ ટ્રેનો એક જ સમયે પસાર થતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ આઠ પ્રવાસી રેલવે ટ્રેક પર પડ્યા હતા અને એમાંથી પાંચ લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થયો હતો.
આ પણ વાંચો : મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માત: એક ‘બેગ’ બની પાંચ લોકોના જીવનું કારણ? તપાસ સમિતિનો ચોંકાવનારો ખુલાસો…
વીજેટીઆઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં પણ એન્જિનિયર દ્વારા રેલવે ટ્રેકની તપાસણી અને તેનું મેઈન્ટેનન્સ ના કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. રેલવે પોલીસ દ્વારા આ પ્રકરણે મધ્ય રેલવેના બે એન્જિનિયર સહિત અન્ય લોકો સામે થાણે રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
આ બંને એન્જિનિયરે ધરપકડ પૂર્વે જામીન અપાવવા ગુરુવારે થાણે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. એન્જિનિયરની લાપરવાહીને કારણે જ આ અકસ્માત થયો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ પણ વાંચો : ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…
મુંબ્રા દુર્ઘટના બાદ આનંદા પાટીલે રેલવેને ઈમેલ કરીને ઈન્શ્યોરન્સ કવર આપવાની માગણી કરી છે. તેમણે પોતાના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા કરોડો પ્રવાસીઓની સુરક્ષા અને આર્થિક જરૂરિયાત તફ ધ્યાન ખેંચીને કેટલીક સમસ્યાઓ રજૂ કરી હતી. લોકલ ટ્રેન મુંબઈગરાની લાઈફલાઈન છે પરંતુ દરરોજ થતાં અકસ્માત અને મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
લોકલ ટ્રેનમાં થનારી ભીડ અને ટ્રેનમાંથી પડી જવાને કારણે થતાં અકસ્માત, રેલવે ટ્રેક પર થતાં અકસ્માત, ટેક્નિકલ ખામીને કારણે થતાં અકસ્માત, અકસ્માતમાં ઈજા કે મૃત્યુ થતાં પ્રવાસીઓના પરિવારના સભ્યોને સારવાર કે જીવન નિર્વાહનો બોજો આવે છે. આવી સ્થિતિમાં જે રીતે લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટ સાથે પ્રવાસીઓને વીમા સુરક્ષા કવચની સુવિધા પૂરી પાડવામાં આવે છે એ જ રીતે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને પણ ટિકિટ કે પછી માસિક પાસ સાથે ઈન્શ્યોરન્સની સુવિધા પૂરી પાડવામાં આવે એવી માગણી તેમણે કરી છે.
આ પણ વાંચો : Good News: RAC ટિકિટવાળા પ્રવાસીઓને મળશે હવેથી ‘આ’ સુવિધા
આ યોજનામાં એક્સિડન્ટલ ડેથ, કાયમી અપંગત્વ, ગંભીર ઈજા થતાં હોસ્પિટલાઈઝેશનના ખર્ચનો સમાવેશ કરવામાં આવે. આ ઉપાયયોજના પ્રવાસીઓને સુરક્ષા જ નહીં પણ તેમના પરિવારજનોને પણ અનપેક્ષિત મુસીબત સમયે આર્થિક આધાર પૂરો પાડશે. આ માત્ર એક સુવિધા નહીં પણ રેલવે પ્રવાસીઓને પૂરી પાડવી જોઈએ એવી મહત્ત્વની સામાજિક સુરક્ષા છે. પરિણામે જેમ બને તેમ ઝડપથી આ સુવિધા પ્રવાસીઓને પૂરી પાડવામાં આવે એવી માગણી પણ તેમણે પત્રમાં કરી છે.



