આમચી મુંબઈ

થોડા ઔર ઇંતજારઃ મુંબઈમાં દારૂનું વેચાણ ચોથી જૂન પછી થશે, જાણો કોર્ટનો આદેશ

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામોની ચોથી જૂનના જાહેરાત પછી મુંબઈમાં દારૂના વેચાણને મંજૂરી આપી હતી, એમ બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું. જસ્ટિસ એન આર બોરકર અને સોમશેખર સુંદરેસનની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે શહેરના કલેક્ટર દ્વારા હોટલ, રેસ્ટોરાં, બાર અને પરમિટ રૂમ દ્વારા દારૂના વેચાણ પર લાદવામાં આવેલ પ્રતિબંધ મુંબઈ શહેરમાં ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી પાછો ખેંચી લેવામાં આવશે.

સરકારી વકીલ જ્યોતિ ચવ્હાણે ખંડપીઠને માહિતી આપી હતી કે મુંબઈ જિલ્લા ઉપનગર માટે કલેકટરે ૪ જૂનને ડ્રાય ડે તરીકે જાહેર કરતા અગાઉના નોટિફિકેશનમાં ફેરફાર કરતો પત્ર પહેલેથી જ જારી કર્યો છે.


જોકે, મુંબઈ શહેરના કલેક્ટર દ્વારા આવો કોઈ ફેરફાર જારી કરવામાં આવ્યો નથી. ત્યારબાદ બેન્ચે કટાક્ષ કર્યો હતો કે શહેરના ઉપનગરોમાં લોકો પરિણામોની ઘોષણા પછી પી શકે છે જ્યારે શહેરમાં લોકો પી શકતા નથી.


કોર્ટ ઈન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન (એએચએઆર) દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં મુંબઈ શહેર અને મુંબઈ જિલ્લા ઉપનગરના કલેક્ટર્સ દ્વારા ૪ જૂનના આખા દિવસને ડ્રાય-ડે તરીકે જાહેર કરવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દારૂના વેચાણને મંજૂરી આપવી જોઈએ.


અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે એસોસિએશનના સભ્યો વ્યવસાય કરવા માટે રાજ્ય સરકારને લાઇસન્સ ફી તરીકે મોટી રકમ ચૂકવે છે. જ્યારે પણ દારૂના વેચાણ માટેના અધિકૃત આઉટલેટો વિવિધ કારણોસર બંધ હોય છે, ત્યારે આવા ગેરકાયદેસર ધંધાઓ ખીલે છે. અરજીઓમાં આખા દિવસના બદલે પરિણામોની ઘોષણા પછી દારૂનું વેચાણ કરવા મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button