‘કુષ્ઠરોગશોધ અભિયાન’ અંતર્ગત ૪૯ લાખ મુંબઈગરાની તપાસ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૨૦૩૦ સુધી કુષ્ઠરોગ નિર્મૂલનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તે માટે કુષ્ઠરોગના દર્દીઓને શક્ય એટલી વહેલી તકે શોધીને સારવાર હેઠળ લાવવાના લક્ષ્યાંક સાથે મુંબઈ મહાનગરપાલિકા અભિયાન હાથ ધરવાની છે. આ અભિયાન મારફત કુષ્ઠરોગને ફેલાતો રોકવા તેની સાંકળી તોડવા માટે દર્દીઓને શોધવામાં આવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં કુષ્ઠરોગના દર્દીને શોધવાની ઝુંબેશ હેઠળ મુંબઈના નાગરિકોની તપાસ કરવામાં આવવાની છે. વર્ષ ૨૦૨૪-૨૫ની સાલમાં મુંબઈ કુલ ૬૨૦ નવા કુષ્ઠરોગના દર્દીનું નિદાન કરવામાં આવ્યું હતું, તેમાંથી ૯૬ દર્દી મુંબઈમાં છ મહિના કરતા પણ ઓછા સમય માટે રહ્યા હતા. નિદાન થયેલા તમામ કુષ્ઠરોગના દર્દી પર સારવાર ચાલી રહી છે.
આપણ વાચો: ગેસ સિલિન્ડરના અકસ્માતો રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યું વિશેષ કામ
કુષ્ઠરોગ ચેપી અને બિનચેપી એમ બે પ્રકારનો હોઈ મલ્ટિ ડ્રગ થેરેપીથી કુષ્ઠરોગ સંપૂર્ણપણે સારો થઈ શકે છે. કુષ્ઠરોગના પ્રકારમાં બિનચેપી માટે મલ્ટિ ડ્રગ થેરેપીનો સમયગાળો છ મહિનાનો અને ચેપી રોગ માટે એક વર્ષ સુધીનો હોય છે.
મોટાભાગની દવા પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર અને દવાખાના તથા પાલિકાની કુષ્ઠરોગ હૉસ્પિટલમાં મફત ઉપલબ્ધ છે. તેમ જ નિદાન કરવામાં આવેલા કુષ્ઠરોગીના સહેવારમાં રહેલા વ્યક્તિની તપાસ કરીને તેને પ્રતિબંધાત્મક તરીકે રિફામ્પિસિનની દવા આપવામાં આવે છે.



