ભાગદોડભરી જિંદગીના મુંબઈમાં અહી જામે છે 'ભજનની મોજ'! કાનદાસ બાપુની ભજન પરંપરાની અજાણી વાત...
આપણું ગુજરાતઆમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

ભાગદોડભરી જિંદગીના મુંબઈમાં અહી જામે છે ‘ભજનની મોજ’! કાનદાસ બાપુની ભજન પરંપરાની અજાણી વાત…

મુંબઈ/અમદાવાદ: સૌરાષ્ટ્રની ધરતી એ જતી-સતી અને સંતોની ભોમકા છે, સંત પરંપરાની સાથે સૌરાષ્ટ્રને ભજન અને ભોજન પરંપરાનો વારસો મળ્યો છે. સૌરાષ્ટ્રની અંદર ભજનની પરંપરા કંઠોપકંઠ સચવાઈ છે, વર્ષોથી જગ્યાના સેવકો, મહંતો, ભજનિકો, ગામના સાધુ સમાજ દ્વારા પેઢી દર પેઢી આ વારસો મળતો રહ્યો છે.

પરંતુ આ ઓડિયો કેસેટ જેવા આધુનિક માધ્યમોના આગમન બાદ અમુક મહાનુભાવોએ સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભજનના વારસાના સીમાડાઓને ભારત તેમજ વિદેશ સુધી વિસ્તાર્યા હતા. સૌરાષ્ટ્રના સંતોએ જે ભજનોની રચના કરી છે તેનો વારસો આજની પેઢી સુધી પહોંચાડવામાં અમુક મહાપુરુષોનું આગવું પ્રદાન રહ્યું છે. આ હરોળમાં પહેલું નામ આવે કાનદાસ બાપુ.

કાનદાસ બાપુનો જન્મ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામે થયો હતો, ભજન અને રાગ રાગિણીમાં તેમની પકડથી લોકો મંત્રમુગ્ધ થઈ જતાં હતા. દેવીપૂજક જ્ઞાતીમાં જન્મેલા કાનદાસબાપુને પરબની જગ્યાના મહંત સેવાદાસ બાપુએ કંઠી બાંધી હતી. લગભગ 12થી 14 વર્ષની ઉંમરે જ તેમણે ભજનનું જ્ઞાન મેળવ્યું હતું અને બાદમાં તેમણે હાર્મોનિયમ શીખ્યું હતું. બાદમાં સંન્યાસ લીધા બાદ ભજનને સમર્પિત થયેલા કાનદાસ બાપુએ ભજનપ્રેમની એક અનોખી જ લહેર જગાવી હતી.

કાનદાસ બાપુની રાગ રાગિણીઓ પરની પકડને કારણે લોકો તેમની ગાયકીથી મંત્રમુગ્ધ થઈ જતાં. કાનદાસ બાપુએ દ્વારકા, મુંબઈમાં આશ્રમ સ્થાપ્યા હતા અને તે સમયે આશ્રમો ભજનનું કેન્દ્ર બનીને ઊભરી આવ્યા હતા. આજે આ આશ્રમો ભજન પ્રેમીઓ માટે એક તીર્થ સમાન બની ચૂક્યા છે.

મુંબઈના કાંદિવલી ખાતેનો તેમના આશ્રમમાં આજે પણ બીજ પૂનમના ભજનો થાય છે, માયનગરીમાં વસતા મુંબઈગરાઓ આખો દિવસ ભલે હડિયાપાટી ભરેલી જિંદગી જીવતા હોય પરંતુ રાતના સમયે આજેપણ કાનદાસ બાપુના આશ્રમમાં ભજનની જે લેર અનુભવાય છે તે ભાગદોડ ભરેલી જિંદગીને નવો જ ઉત્સાહ અને આધ્યાત્મિકતાની ટાઢક પૂરી પાડે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button