મુંબઈ તો મુંબઈ જ રહેશે, શાંઘાઈ કે સિંગાપોરની નકલ નહીં: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે મુંબઈને સિંગાપોર કે શાંઘાઈ જેવું બનવાની જરૂર નથી, તેના બદલે, અન્ય શહેરોએ મુંબઈ જેવું બનવાની ઇચ્છા રાખવી જોઈએ.
એક ન્યૂઝ ચેનલના ટાઉનહોલ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે આ ટિપ્પણી કરી હતી. મુંબઈ તો મુંબઈ જ રહેશે, આપણે તેને શાંઘાઈ કે સિંગાપોર જેવું બનાવવાનો પ્રયાસ કેમ કરવો જોઈએ? મુંબઈની પોતાની ઓળખ છે અને હું માનું છું કે તે ઓળખ શાંઘાઈ કે સિંગાપોર કરતાં પણ સારી છે, એમ ફડણવીસે મુંબઈને શાંઘાઈ કે સિંગાપોર જેવું બનાવવાનું સ્વપ્ન જોયું છે કે કેમ તે અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ ધ્વજ ફરકાવશે, શિવસેનાનું નામ નહીં, એકનાથ શિંદેને આંચકો…
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં માળખાકીય સુવિધાઓ અને રહેઠાણમાં કેટલીક ખામીઓ છે, પરંતુ તેને દૂર કરવાના પ્રયાસો 2014માં શરૂ થયા હતા અને અત્યારે પરિવર્તન હવે દેખાઈ રહ્યું છે. ‘આપણે શાંઘાઈ કે સિંગાપોર જેવા બનવાનો પ્રયાસ શા માટે કરવો જોઈએ? લોકોએ મુંબઈ જેવું શહેર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આપણે શહેરને તે મુજબ તૈયાર કરવું જોઈએ,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ફડણવીસે વધુમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં મુંબઈમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે, જેમાં ધારાવી હાઉસિંગ પ્રોજેક્ટ આ પરિવર્તનનું મુખ્ય ઉદાહરણ છે. ‘ધારાવી એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ છે જેના દ્વારા અમે 10 લાખ લોકોને યોગ્ય, કાયમી રહેઠાણ પૂરું પાડીશું, જેમાં તમામ જરૂરી સુવિધાઓ હશે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
માળખાકીય વિકાસ વિશે બોલતા, તેમણે કહ્યું હતું કે, ‘અમે ‘ત્રીજી મુંબઈ’ વિકસાવી રહ્યા છીએ – જે અટલ સેતુ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે બનશે. આ નવું મુંબઈ એક ભવિષ્યવાદી શહેર છે. તેમાં એક ‘એજ્યુકેશનલ સિટી’નો સમાવેશ થાય છે જ્યાં સાત ટોચની વૈશ્ર્વિક યુનિવર્સિટીઓ પહેલેથી જ આવી ચૂકી છે અને પાંચ વધુ આવી રહી છે. આજે જ, મેં બીજી અગ્રણી યુનિવર્સિટી સાથે વાતચીતને અંતિમ સ્વરૂપ આપ્યું છે.’
તેમણે એમ પણ કહ્યું કે આગામી બે થી ત્રણ વર્ષમાં મુંબઈમાં બુલેટ ટ્રેન શરૂ થશે. અગાઉની સરકારોની ટીકા કરતા, ફડણવીસે દાવો કર્યો હતો કે મુંબઈ છેલ્લા 25 વર્ષોમાં વિકાસ કરવામાં નિષ્ફળ ગયું હતું, કારણ કે તે સમયે સત્તામાં રહેલા લોકો દ્વારા વિકાસ અવરોધવામાં આવ્યો હતો.