પ્રદૂષણ કરતા પણ વધારે ખતરનાક આ અદૃશ્ય આફત આવી શકે છે મુંબઈ પર

હાલમાં માત્ર દેશની રાજધાની જ નહીં, પરંતુ મુંબઈ, પુણે, અમદાવાદ જેવા શહેરો પણ પ્રદૂષણના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઈમાં નસીબજોગે થોડું વરસાદી વાતાવરણ સર્જાતા પ્રદૂષણમાં નજીવો ફરેફાર દેખાયો છે, પરંતુ ખતરો ટળ્યો નથી અને હજુ શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે છે. જોકે પ્રદૂષણની સમસ્યા જેટલી કે તેના કરતા વધારે ગંભીર બીજી સમસ્યા મુંબઈને વધારે પજવી શકે છે અને તે છે ગરમી અથવા ઉકળાટ. ટેકનિકલ ભાષામાં જેને અર્બન હીટ કહેવામાં આવે છે.
વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટયૂટ દ્વારા મુંબઈ મહાનગરપાલિકા માટે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને તેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અર્બન હીટના ખતરમાંથી મુંબઈએ પસાર થવું પડશે.
આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે વધી રહેલા હવામાનના પારાને નીચે લાવવો ખૂબ જરૂરી છે આ સાથે ગ્રીનહાઉસ ગેસ એમિશનને અટકાવવાની પણ ખૂબ જરૂર છે.
અહેવાલ અનુસાર વર્ષ 1973થી 2020 સુધીમાં 47 વર્ષમાં મુંબઈમાં દર દાયકે 0.25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે એટલે કે ગરમી વધી છે. આ સમયગાળામાં દસ હીટવેવ અને બે અત્યંત તીવ્ર હીટવેવનો પણ શહેરે અનુભવ કર્યો છે.
એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર સેટેલાઈટ ડેટા દ્વારા પણ વાતાવરણમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લેવામાં આવે છે. શહેરના અમુક ભાગો જેવા કે ધારાવી, માટુંગા, વિક્રોલીમાં હનુમાન નગર, પવઈ હીરાનંદાની, ગોરેગાંવમાં ભગતિસંહ નગર અને જવાહર નગર તેમ જ ગિરગાંવ અને મરીન લાઈન્સ હીટ આઈલેન્ડ બની રહ્યા છે.
નેશનલ ઓશનિક એન્ડ એટ્મોસ્ફિયરીક એડમિનિસ્ટ્રેશન એન્ડ ક્લાઈમેટ લેબ દ્વારા 2040 માટે પ્રોજેક્શન કરવામાં આવ્યું છે, તે અનુસાર મુંબઈમાં વર્ષના કુલ દિવસોમાંથી 60 ટકા દિવસો સખત ગરમી રહેશે જે 32 ડિગ્રીથી વધારે હોઈ શકે. આ વધારે પડતા ભેજવાળા દિવસો પણ હોઈ શકે અને આવા વાતવરણને લીધે મૃત્યુ થવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ શકે. બીમારી વધવાની પૂરી શક્યતા છે.
આથી જેમ અમદાવાદમાં પાલિકા દ્વારા ગરમી ઘટાડવાના વિવિધ ઉપાયો હાથ ધરાઈ છે તેમ મુંબઈમાં પણ સતર્ક થઈ કામ કરવાની જરૂર છે, તેમ નિષ્ણાતો જણાવે છે.