આનંદો, 2026ના વર્ષમાં મુંબઈગરાઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, કારણ કે…

મુંબઈઃ મુંબઈગરાઓ માટે શરૂ થયેલું 2026નું વર્ષ રાહતના સમાચાર લઈને આવી રહ્યું છે, કારણ કે આ વર્ષે મુંબઈગરાઓને ટ્રાફિકની જટિલ સમસ્યાઓમાંથી મોટી રાહત આપે એવા કેટલાક નવા બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે. મુંબઈ મહાનગર પાલિકા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના પાંચ મહત્વના બ્રિજ અને ફ્લાયઓવર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી પૂર્વ અને પશ્ચિમ મુંબઈ વચ્ચેનો પ્રવાસ માત્ર ઝડપી જ નહીં, પણ અત્યંત સરળ બની જશે.
સાયન પૂર્વ-પશ્ચિમ બ્રિજઃ
લાંબા સમયથી સમયથી પ્રલંબિત એવો સાયન પૂર્વ-પશ્ચિમ પુલ આખરે જુલાઈના અંત સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ પુલનું નિર્માણ કાર્ય 15મી જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પશ્ચિમ ભાગનું કામ 31મી મે 2026 સુધીમાં પૂર્ણ થયા બાદ પૂર્વ તરફનું કામ આગામી એકથી દોઢ દિવસમાં આટોપી લેવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રેલવે પ્રશાસન રેલવે હદમાં કામ કરી રહ્યું છે, જ્યારે પાલિકા એપ્રોચ રોડ અને અંડરપાસની જવાબદારી સંભાળી રહી છે.
બેલાસિસ ફ્લાયઓવરઃ

બેલાસિસ ફ્લાયઓવર મુંબઈગરા માટે ખૂબ જ મહત્વનો છે. આ પ્રોજેક્ટ તેની સમયબદ્ધતા માટે તમામ ઉદાહરણરૂપ બન્યો છે. આ બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું, એટલે કે માત્ર 15 મહિના અને 6 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. 333 મીટર લાંબો આ બ્રિજ ફેબ્રુઆરી, 2026ના પહેલાં અઠવાડિયામાં જ કાર્યરત થઈ જશે.
દિંડોશી-ફિલ્મ સિટી ફ્લાયઓવરઃ

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટના એક મહત્ત્વના ભાગ સમાન આ દિંડોશી-ફિલ્મ સિટી ફ્લાયઓવર ખુલ્લો મૂકાય બાદ મુંબઈગરાને રાહત થશે. આ બ્રિજથી થનારા ફાયદાની તો હાલમાં ગોરેગાંવથી મુલુંડ પહોંચતા 75 મિનિટ લાગે છે, જે આ પુલ શરૂ થતા ઘટીને માત્ર 25 મિનિટ થઈ જશે. 31મી મે, 2026 સુધીમાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે, જેનું 75 ટકા કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે અને આ વર્ષે આ બ્રિજ પણ મુંબઈગરા માટે ખુલ્લો મૂકાય એવી શક્યતા છે.
વિદ્યાવિહાર બ્રિજઃ

પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે વિદ્યાવિહારનો આ બ્રિજ ગેમ-ચેન્જર સાબિત થશે. આ બ્રિજ ઘાટકોપર પૂર્વના રામચંદ્ર ચેમ્બુરકર માર્ગને પશ્ચિમમાં આવેલા એલબીએસ માર્ગ સાથે જોડાશે, જેનાથી એરપોર્ટ પહોંચવું ઘણું સરળ બનશે. પ્રોજેક્ટનું 80 ટકા કામ પૂરું થઈ ગયું છે અને જૂન 2026માં તેનું લોકાર્પણ કરવામાં આવશે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે.
મહાલક્ષ્મી કેબલ-સ્ટેડ બ્રિજઃ

મુંબઈનો આ પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે ઓવરબ્રિજ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવું આકર્ષણ ઉમેરશે. વાત કરીએ આ બ્રિજ માટેના ખર્ચની તો અંદાજે રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે બની રહેલો આ 803 મીટર લાંબો પુલ સાત રસ્તા વિસ્તારને મહાલક્ષ્મી રેસકોર્સ (મેદાન) સાથે જોડશે. આ બ્રિજ આ વર્ષે 31મી ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે અને નવેમ્બર 2026ના પ્રથમ સપ્તાહમાં વાહનો માટે ખુલ્લો મૂકાશે, એવી આશા સેવાઈ રહી છે.
છે ને એકદમ કામની માહિતી? આ મહત્ત્વના સમાચાર તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરો. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.


