આમચી મુંબઈ

હુતાત્મા ચોક ખાતે ગેરકાયદે રીતે પાર્કિંગ ફી વસૂલ કરનારા સામે પોલીસમાં ગુનો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રખ્યાત હુતાત્મા ચોક ખાતે પે એન્ડ પાર્ક પ્લોટ જેને ફ્રી પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, તેની માટે ગેરકાયદેસર રીતે પાર્કિંગ ફી વસૂલવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાના ‘એ’ વોર્ડ દ્વારા મંગળવારે બે વ્યક્તિ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પાર્કિંગ ફી વસૂલવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દક્ષિણ મુંબઈ (એ વોર્ડ)માં પાર્કિંગનો કૉન્ટ્રેક્ટ પૂરો થયા બાદ અનેક પાર્કિંગ સ્પોટ ફ્રી પાર્કિંગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જોકે ગયા અઠવાડિયે ફોર્ટ વિસ્તારના હુતાત્મા ચોક ખાતે નિયમિત પેટ્રોલિંગ દરમ્યાન પાલિકાના કર્મચારી જિતેન્દ્ર વસૈકરે બે યુવાનોને મફત પાર્કિંગ રહેલા ઝોનમાં વાહનચાલકો પાસેથી પાર્કિંગ ફી વસૂલતા જોયા હતા.

આ બનાવ બાદ પાલિકાએ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મુજબ પાલિકાના સંબંધિત કર્મચારીએ આ બાબતે જયારે પૂછતાછ કરી હતી ત્યારે તેને ખબર પડી હતી કે બંને યુવકો ‘વેલ ટેગ’ લોગોવાળી રસીદ બુક લઈને આવ્યા હતા. બે વાહનચાલકોએ પણ તેમને ફરિયાદ કરી હતી કે એક કલાક વાહન પાર્ક કરવા માટે તેમની પાસેથી ૧૫૦ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ બનાવ બાદ બંને વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાલિકા પ્રશાસને નાગરિકોને હુતાત્મા ચોકના આ પાર્કિંગ પ્લોટ પર કોઈ પાર્કિંગ ફી નહીં ચૂકવવાની અપીલ કરી હતી. હાલ અહીં પાર્કિંગ મફત છે.

નોંધનીય છે કે આ અગાઉ મે, ૨૦૨૫માં પણ પાલિકાએ કાલાઘોડા વિસ્તારમાં પેઈડ પાર્કિંગ સુવિધા ચલાવતી એક એજન્સી સામે સત્તાવાર રીતે મંજૂર કરાયેલા દર કરતા વધુ દર વસૂલવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. ગેરકાયદે ફી વસૂલવા બદલ એજન્સીના કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button