ગુરુવારે ઑગસ્ટ મહિનાનો એક દિવસનો સૌથી વધુ વરસાદ નોંધાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં લગભગ અઠવાડિયું સુધી સૂકું વાતાવરણ રહ્યા બાદ બુધવારથી ફરી ચોમાસું ફરી જામ્યું છે. ગુરુવારના દિવસે ચાલુ મોસમમાં ઑગસ્ટ મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારના શહેરમાં એક દિવસનો સૌથી વધુ ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે ૧૭ ઑગસ્ટ સુધી મુંબઈ અને થાણે જિલ્લા માટે યલો અલર્ટની ચેતવણી આપી હોવાથી વરસાદની તીવ્રતા આગામી દિવસમાં વધવાની શક્યતા છે. તો રાયગઢ અને રત્નાગિરી માટે ૧૬ અને ૧૭ ઑગસ્ટના ઓરેન્જ અલર્ટ રહેશે.
બુધવારે આખો દિવસ વાદળિયું વાતાવરણ અને ઝરમર વરસાદ રહ્યા બાદ મોડી રાતથી વરસાદ ચાલુ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારથી ગુરુવાર સવાર સુધીમાં સાંતાક્રુઝમાં ૫૦ મિ.મી. અને કોલાબામાં ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારથી ગુરુવાર સવાર સુધીમાં પશ્ર્ચિમ ઉપનગરમાં ૪૧.૪૬ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૩૨.૪૬ મિ.મી. અને શહેરમાં ૨૦.૭૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મુજબ શહેરના અનેક વિસ્તારમાં બુધવાર મોડી રાતથી ગુરુવાર સવાર સુધીમાં ભારે વરસાદ પડયો હતો, જેમાં મલાડમાં ૮૫ મિ.મી., અંધેરીમાં ૭૨ મિ.મી. વરસાદ પડયો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી મુંબઈમાંથી વરસાદ ગાયબ તઈ ગયો હોવાથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો પણ વરસાદની ફરી એન્ટ્રી થવાથી રાહત થઈ છે.
મુંબઈમાં લાંબા સમયથી વરસાદ ગાયબ રહેવાને કારણે શહેરમાં વરસાદની ખાધ રહી છે. ઑગસ્ટ મહિનામાં શહેરમાં સરેરાશ ૫૬૬ મિ.મી. વરસાદ પડયો છે પણ સાંતાક્રુઝમાં માત્ર ૧૧૪ મિ.મી. વરસાદ પડયો છે.
હવામાન વિભાગના નિષ્ણાતના જણાવ્યા મુજબ રિજનમાં હાલ અનેક સિસ્ટમ સક્રિય થઈ છે. મુંબઈ અને કોંકણ રિજન સહિત મહારાષ્ટ્રમાં ૧૩ ઑગસ્ટથી ૧૯ ઑગસ્ટ દરમ્યાન ભારે વરસાદની શક્યતા છે.
નિષ્ણાતોના કહેવા મુજબ બુધવાર સુધીમાં પશ્ર્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠે લો પ્રેશરનો પટ્ટો હતો. વધુમાં આગામી ૨૪ કલાકમાં એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બનાવાની શકયતા છે.
આ ઉપરાંત બંગાળની ખાડીથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધીમાં એક પૂર્વ-પશ્ચિમ ટ્રફની પણ અસર છે. તેના પ્રભાવ હેઠળ ૧૩થી ૧૯ ઑગસ્ટ ૨૦૨૫ દરમ્યાન મહારાષ્ટ્રની પ્રવૃતિમાં વધારો થવાની શક્યતા છે.