મુંબઈકરોને લાઉડસ્પીકરના ઘોંઘાટથી છુટકારો મળશે! હાઈ કોર્ટે સરકાર કડક નિર્દેશો આપ્યા
મુંબઈ: મંદિર, મસ્જીદ કે ચર્ચ જેવા ધાર્મિક સ્થળોએ લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાંથી નીકળતા ઊંચા અવાજને કારણે ઘણા વિવાદો થયા છે. એવામાં બોમ્બે હાઈ કોર્ટે (Bombay High court) ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ અંગે મહત્વનો આદેશ (Loud speaker at Religious Spaces) આપ્યો છે. કોર્ટે કહ્યું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી.
સરકારને આદેશ:
બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ધાર્મિક સ્થળો અથવા સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS) અથવા અન્ય કોઈપણ અવાજ ઉત્પન કરતા કરનારા ઉપકરણોમાં ડેસિબલ લેવલ પર નિયંત્રણ મુકવા મહારાષ્ટ્ર સરકારને એક ઇનબિલ્ટ મીકેનીઝમ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો હતો અને સરકારને કહ્યું હતું કે આવા સ્થળોએ વપરાતા લાઉડસ્પીકર્સ અથવા PAS ની ડેસિબલ કેલિબ્રેશન અને ઓટો ફિક્સેશન માટે પોલીસ અધિકારીઓને નિર્દેશો આપવા પર ગંભીરતાથી વિચાર કરે.
પોલીસ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે:
બેન્ચે મુંબઈ સીપીને કહ્યું કે તેઓ તમામ પોલીસ અધિકારીઓને ડેસિબલ લેવલ માપતી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપે અને કાયદાનું ઉલ્લંઘન કરીને વાંધાજનક ઘોંઘાટ ઉત્પન્ન કરતા લાઉડસ્પીકર અથવા અન્ય ઉપકરણોને જપ્ત કરે.
મુંબઈમાં વિવિધ ધર્મોના લોકો રહે છે:
ન્યાયાધીશ અજય એસ ગડકરી અને શ્યામ સી ચાંડકની બેન્ચે ચુકાદામાં કહ્યું, “મુંબઈ એક કોસ્મોપોલિટન શહેર છે, શહેરના દરેક ભાગમાં વિવિધ ધર્મોના લોકો રહે છે… ઘોંઘાટ એ આરોગ્ય માટે એક મોટો ખતરો છે. જો કોઈને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપવામાં આવે તો તેના અધિકારોને કોઈપણ રીતે અસર થાય છે, એવો દાવો ન કરી શકાય. આવી પરવાનગીઓ ન આપવી જોઈએ તે જાહેર હિતમાં છે… લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી.”
આ પણ વાંચો : ટિકિટોના કાળાબજારને રોકવા માર્ગદર્શિકા માંગતી પીઆઈએલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
બેન્ચે વધુમાં કહ્યું, “અમારા મતે, પ્રતિવાદી પોલીસ અધિકારીઓ અને સરકારની ફરજ છે કે તેમણે કાયદાની જોગવાઈઓ દ્વારા નિર્ધારિત તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. લોકશાહી રાજ્યમાં, એવી પરિસ્થિતિ ન હોઈ શકે કે કોઈ વ્યક્તિ / વ્યક્તિઓનો સમૂહ / વ્યક્તિઓનો સંગઠન કહે કે, તેઓ દેશના કાયદાનું પાલન નહીં કરે. કાયદા અમલીકરણ કરનારાઓ તેના માટે મૂક પ્રેક્ષક બની રહે એ ન ચાલે.”
અરજદારોની દલીલ:
નહેરુ નગર, કુર્લા (પૂર્વ) અને ચુનાભટ્ટી વિસ્તારના રહેવાસીઓની જાગો નહેરુ નગર રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન અને શિવસૃષ્ટિ કો-ઓપ. હાઉસિંગ સોસાયટીઝ એસોસિએશન લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.
ધાર્મિક સ્થળો દ્વારા પ્રતિબંધિત કલાકો અને મંજુરીથી વધુ ડેસિબલના અવાજથી લાઉડસ્પીકર અને એમ્પ્લીફાયરના ઉપયોગ સામે પોલીસ કાર્યવાહી ન કરી રહી હોવાની આરોપ મૂકવામાં આવ્યો છે.
અગાઉ પણ કોર્ટે કહી હતી આ વાત:
અરજીમાં 2016ના હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં નોઈસ પોલ્યુશન ( રૂલ્સ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 2000 ના કડક અમલ માટે અનેક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ત્યારે અવલોકન કર્યું હતું કે “લાઉડસ્પીકરનો ઉપયોગ કરવોએ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી અને કાયદાનો ઉલ્લંઘન કરતી કોઈ પણ સંસ્થાને બંધારણની કલમ 25 (ધર્મની સ્વતંત્રતા) હેઠળ રક્ષણ પ્રાપ્ત નથી.”