
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદે ફરી એક વખત મુંબઈને ધમરોળી નાંખ્યું હતું. શુક્રવારના વરસાદે મુંબઈગરાને ફરી એક વખત બાનમાં લીધા હતા. દક્ષિણ મુંબઈની સરખાણીમાં ઉપનગરમાં ધોધમાર પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સાથે જ અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાના અને ઘરની દિવાલો તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. લોકલ ટ્રેનોની સાથે જ ઠેર-ઠેર ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ હતી. વહેલી સવારથી રહેલા ધોધમાર વરસાદને પગલે બીએમસીના ૧૦ હજારથી વધુ અધિકારી-કર્મચારીઓ રસ્તા પર ફરજ બજાવી રહ્યા હતા. ભારે વરસાદને પગલે મુંબઈ પોલીસે પણ નાગરિકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. હવામાન વિભાગે આજે પણ મુંબઈ સહિત થાણે માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
મુંબઈમાં ગુરુવાર, ૨૪ જુલાઈ, ૨૦૨૫ બાદ શુક્રવાર, ૨૫ જુલાઈના પણ મુશળધાર વરસાદ પડયો હતો. શુક્રવારના મુંબઈમાં વહેલી સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે ઉપનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના આઠ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીના ત્રણ કલાક દરમ્યાન દક્ષિણ મુંબઈમાં વરસાદનું જોર ઓછું રહ્યું પણ ઉપનગરમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, સાંતાક્રુઝ, વિલેપાર્લે, બાન્દ્રા, અંધેરી, દહિંસર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં સવારના સમયમાં કમરબંધ પાણી ભરાયા હતા. અંધેરીમાં ભારે વરસાદને પગલે અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે સવારના આઠ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં શહેરમાં પાંચ, ઉપનગરમાં છ, પશ્ર્ચિમ ઉપનગરમાં ચાર એમ કુલ ૧૫ ઠેકાણે ઝાડ તૂટી પડયા હતા. આ સમયગાળામાં શોર્ટ સર્કિટના કુલ સાત બનાવ બન્યા હતા. તો ઘરની દિવાલ તૂટી પડવાના ત્રણ બનાવ નોંધાયા હતા.
સવારના ત્રણ કલાક દરમ્યાન પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને પગલે પાલિકાના કર્મચારીઓ દ્વારા અનેક જગ્યાએ મૅનહોલના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સવારના ત્રણ કલાકમાં જ જોગેશ્ર્વરીમાં ૬૭.૩ મિ.મી., અંધેરી-મલપા ડોંગરી વિસ્તારમાં ૬૬.૬ મિ.મી., સાંતાક્રુઝ-નારિયલવાડી વિસ્તારમાં ૬૫.૪ મિ.મી., ઘાટકોપરમાં ૫૮.૮ મિ.મી., ભાંડુપ-ટેંભીપાડા વિસ્તારમાં ૫૭.૮ મિ.મી., ઘાટકોપર પૂર્વ રમાબાઈ વિસ્તારમાં ૫૩.૪ મિ.મી., વિક્રોલી પૂર્વમાં ૫૧.૮ મિ.મી., સાયન પ્રતીક્ષા નગર વિસ્તારમાં ૩૦.૨ મિ.મી., વરસાદ નોંધાયો હતો.
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય
હવામાનના નિષ્ણાતના જણાવ્યા મુજબ હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે. અત્યારે મોસમની સૌથી મજબૂત ચોમાસાની અસર હોઈ કોંકણ કિનારા પર ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને કારણે પુષ્કળ ભેજ આવી રહ્યો છે. એ સાથે જ પશ્ર્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં ડિપ્રેશન તથા સક્રિય ઓફશોર ટ્રફ મુંબઈમાં ભારે વરસાદ માટે જવાબદાર છે. ડિપ્રેશનની અસર હેઠળ મુંબઈ ઉપનગર, નવી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
મુંબઈ પોલીસની અપીલ
શુક્રવારે વહેલી સવારના ભારે વરસાદ પડી રહ્યો હોવાથી મુંબઈ પોલીસે એક પબ્લિક એડવાઈસરી બહાર પાડી હતી અને નાગરિકોને જરૂરી ન હોય તો ઘરમાં જ રહેેવાની વિનંતી કરવામાં આવી હતી. પોલીસની એડવાઈસરીમાં અપીલ કરવામાં આવી હતી કે, ‘મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નાગરિકોને સલાહ આપપવામાં આવે છે કે જયાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળો અને સાવધાનીપૂર્વક વાહન ચલાવો, અમારા અધિકારીઓ અને સ્ટાફ સતર્ક છે અને મુંબઈવાસીઓની મદદ કરવા તૈયાર છે.’
ઉપનગરમાં વરસાદનું જોર વધુ
ફરી એક વખત દક્ષિણ મુંબઈની સરખામણીમાં ઉપનગરમાં સવારના વરસાદનું જોર વધુ રહ્યું હતું. સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૧૧.૪ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૭૪.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો આ સમય દરમ્યાન જ દક્ષિણ મુંબઈમાં સરેરાશ ૧૭.૮૦ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૬૮.૪૨ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૬૭.૪૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ અંધેરીમાં
સવારના ૮ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ અંધેરી પશ્ર્ચિમમાં ૧૧૭ મિ.મી. એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અંધેરી પૂર્વમાંં સરેરાશ ૧૧૦ મિ.મી., ગોરેગામમાં આરે કોલોનીમાં ૧૦૫ મિ.મી., સાંતાક્રુઝમાં ૯૮ મિ.મી., મુલુંડમાં ૯૬ મિ.મી., પવઈ અને ઘાટકોપરમાં ૯૫ મિ.મી., વિક્રોલીમાં ૯૪ મિ.મી., સાયન-પ્રતીક્ષી નગર વિસ્તારમાં બાવન મિ.મી., ધારાવીમાં ૩૯ મિ.મી., રાવલી કેમ્પમાં ૩૯ મિ.મી., પરેલમાં ૩૫ મિ.મી., વડાલાામાં ૩૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
આજે પણ દરિયામાં મોટી ભરતી
મુંબઈ માટે શનિવારે પણ ઓરેન્જ અલર્ટની ચેતવણી આપી હોઈ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ગુરવારથી રવિવાર સુધી દરિયામાં મોટી ભરતી છે અને દરિયામાં મોજાં ૪.૬૦ મીટરથી ઊંચા ઉછળી રહ્યા છે. ગુરવાર બાદ શુક્રવારે પણ સવારના સમયમાં ભારે વરસાદ પડયો હતો અને એ સમયે જ દરિયામાં ભરતીની અસર હોવાને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા નિર્માણ થઈ હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. શનિવાર ૨૬ જુલાઈના બપોરના ૧.૨૦ વાગે દરિયામાં સૌથી મોટી ભરતી છે. આ દરમ્યાન દરિયામાં મોજા ૪.૬૭ મીટર ઊંચા ઉછળશે. તેથી ભરતી સમયે જો ભારે વરસાદ પડયો તો પાણી ચોક્કસ ભરાશે.