મુંબઈ@ 41 ડિગ્રી: Heatwaveની Side Effect, રસ્તાઓ પડ્યા સૂના…
મુંબઈઃ હવામાન ખાતા દ્વારા શનિવારે જ રવિવાર અને સોમવાર એમ બંને દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી હતી અને રવિવારે મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો આંકડો 39 ડિગ્રી સેલ્સિયસથી આગળ વધીને 41 ડિગ્રી સેલ્સિયશ કરતાં પણ પણ ઉપર જતો રહ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
હવામાન ખાતા દ્વારા રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે હીટવેવની આગાહી કરી હતી અને આ હીટવેવની અસર મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં જોવા મળી હતી. મુંબઈના મીરા રોડ ખાતે બપોરના સમયે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને નવી મુંબઈમાં તાપમાને 41 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી દીધો હતો. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ તાપમાન 36થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળ્યું હતું.
મહારાષ્ટ્ર જ નહીં પણ દેશભરમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને નાગરિકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીને કારણે નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે ત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નાગરિકોને આ હીટવેવથી પોતાની જાતને કઈ રીતે બચાવી શકાય એ માટેની વિવિધ એડવાઈઝરી બહાર પાડીને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
હવામાન ખાતા દ્વારા મુંબઈમાં આજે અને આવતીકાલે અને થાણે અને રાયગઢ જિલ્લામાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ દરિમયાન તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી 40-41 ડિગ્રી સુધી જશે, એવી ચેતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે શાળાઓમાં વેકેશન શરૂ થઈ ગયું હોઈ રવિવારે બહાર ફરવા નીકળી પડનારાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્યપણે રવિવારે રજાના દિવસે મુંબઈ દર્શન કરવા ઉપડી જનારાઓની ભીડને કારણે મુંબઈના રસ્તા ઉભરાતા હોય છે, પણ આજે એ ભીડમાં પણ આશરે 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
ગરમીથી બચવા માટે આટલું ચોક્કસ કરો…
હવામાન ખાતા દ્વારા નાગરિકોને હીટવેવથી બચવા માટે કેટલીક ચોક્કસ તકેદારી રાખવાની ભલામણ કરી છે-
શક્ય હોય ત્યાં બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો
જો બહાર નીકળવું જ પડે એમ હોય તો માથાને ટોપી, છત્રી કે સ્કાર્ફથી કવર કરી લો
આંખોને ધમધોખતા તડકાથી બચાવવા માટે સનગ્લાસીસ પહેરો
ડિહાઈડ્રેશન ન થાય એના માટે શક્ય હોય એટલું વધારે પાણી પીવાનું રાખો
આ સમયગાળામાં લૂથી બચવા માટે કાંદાનો શક્ય હોય એટલો વધારે વપરાશ કરો
કાંદા સિવાય શેરડીનો રસ, લીંબુ પાણી અને છાશ જેવા ઠંડા પીણા પણ આ ગરમીથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે