આમચી મુંબઈ

મુંબઈ ભઠ્ઠી બન્યુંં: પારો ૩૭.૪ ડિગ્રીએ રવિવાર સુધીમાં ૩૮ પર પહોંચવાની શક્યતા: ૯થી ૧૧ માર્ચ ભયંકર ગરમીની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈગરાને માર્ચ મહિનાની કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારે દિવસ દરમ્યાન ગરમ પવન ફૂંકાવાની સાથે જ આકરી ગરમી સાથે તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે મોસમના સરેરાશ તાપમાન કરતા ૪.૪ ડિગ્રી વધુ હતો. આ અગાઉ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં પણ મુંબઈગરાએ આવી જ ગરમીનો અનુભવ કર્યો હતો, જેમાં ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ મુંબઈ, થાણે સહિત પાલઘર માટે હીટ-વેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. હવામાન ખાતાએ આગામી દિવસમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ પારો હજી ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી છે.
હજી માર્ચ મહિનો ચાલુ થયો છે અને પારો સતત ઊંચો જઈ રહ્યો છે, તેથી આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી ઉપર જવાની શકયતા છે. દિવસ દરમ્યાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સરેરાશ કરતા બે ડિગ્રી વધારે હતું. હજી એક દિવસ અગાઉ મંગળવારે સાંતાક્રુઝ ૩૬.૮ ડિગ્રી અને અને કોલાબામાં ૩૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા અનુક્રમે ૩.૮ ડિગ્રી અને ૧.૯ ડિગ્રી વધુ હતું.

Also read: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે અને આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. નવ માર્ચ સુધીમાં પારો ૩૮ ડિગ્રી સુધી જશે. મુંબઈની સાથે જ રાજ્યમાં પણ મોટાભાગના જિલ્લામાં પારો ઊંચો નોંધાઈ રહ્યો છે. હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
હવામાન ખાતાના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે દિવસના સમયમાં ગરમીનું પ્રમાણ વધવાનું કારણ પૂર્વીય તરફથી ફૂંંકાઈ રહેલા પવનો હતો અને ૯થી ૧૧ માર્ચ દરમ્યાન તાપમાનનો પારો હજી ઊપર જવાની શકયતા છે.

દાયકામાં ચાર વખત ૪૦ ડીગ્રીની ઉપર તાપમાન
હવામાન ખાતાના રેકોર્ડ મુજબ માર્ચ મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી ૨૮ માર્ચ ૧૯૫૬ના ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા દાયકામાં મુંબઈમાં ઓછામાં ઓછા ચાર વખત તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. ૨૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ૪૦.૯ ડિગ્રી, ૨૬ માર્ચ, ૨૦૧૯ના ૪૦.૩ ડિગ્રી, ૨૬ માર્ચ, ૨૦૧૮ના રોજ ૪૧.૦ ડિગગ્રી અને ૨૬ માર્ચ ૨૦૧૫ના ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button