હીટવેવ એલર્ટ: મુંબઈમાં તાપમાન 38 ડિગ્રીને પાર, આઈએમડીએ આપી આ ચેતવણી
હવામાન ખાતાનું યલો અલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ફેબ્રુઆરીમાં અસામાન્ય ગરમીના મોજાનો અનુભવ થવાની શક્યતા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ મંગળવાર અને બુધવારે શહેર અને આસપાસના વિસ્તારો માટે યલો અલર્ટ જારી કર્યું હતું મંગળવારે મુંબઈનું તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને બુધવારે પણ શહેરમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેધશાળાએ મુંબઈ માટે ગરમીના મોજાની ચેતવણી જારી કરી છે. મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને તેની સામે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી મુજબ મુંબઈમાં મંગળવારે નોંધાયેલું તાપમાન દાયકાનું ફેબ્રુઆરીમાં નોંધાયેલું ત્રીજું સૌથી ઊંચું તાપમાન છે.
આઈએમડી મુંબઈએ આપેલી માહિતી અનુસાર, ‘મંગળવારે અને બુધવારે મુંબઈ અને નજીકના વિસ્તારોમાં ગરમીના મોજા માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહેવાની ધારણા છે, જે ફેબ્રુઆરી મહિના માટે સામાન્ય તાપમાન કરતાં લગભગ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.’
આ પણ વાંચો: પાટનગરમાં ઠંડીની વિદાયઃ તાપમાનમાં વધારો થતા મુંબઈગરા પરેશાન
વધુમાં, કોંકણ, ગોવા અને દરિયાકાંઠાના કર્ણાટકના અલગ-અલગ ભાગોમાં 28 ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિ બનવાની આગાહી છે. વધતા તાપમાનને લઈ નાગરિકોને પણ સતર્ક રહેવાની અને શક્ય એટલા ગરમીથી બચવાનો પ્રયાસ કરવા માટે આઈએમડીએ અનુરોધ કર્યો છે.
મુંબઈના પાણીના ભંડાર પર સંકટ
એક અઠવાડિયાથી વધુ સમય સુધી મુંબઈમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાને કારણે, અધિકારીઓને ડર છે કે લાંબા સમય સુધી ગરમીના મોજાને કારણે તેમના તળાવોમાંથી પાણીના બાષ્પીભવનની ગતિ ઝડપી બનાવી શકે છે, જેના કારણે પાણીના ભંડારમાં ઘટાડો થઈ શકે છે.
સોમવાર સુધીમાં મુંબઈના સાત તળાવોમાં તેમની કુલ પાણીની ક્ષમતાના 51.12 ટકાનો હિસ્સો હતો, જો ઉચ્ચ તાપમાન ચાલુ રહે તો આ પ્રમાણ ઝડપથી ઘટી શકે છે.
આ પણ વાંચો: મે-જૂનમાં પાણીનો પ્રોબ્લેમ કદાચ ન થાય! 51% સ્ટોક છે
સુધરાઈના એક અધિકારીએ ચેતવણી આપી હતી કે, તાપમાનમાં અચાનક વધારો પાણીના બાષ્પીભવનને વેગ આપે છે, જેનાથી તળાવોનું સ્તર ઘટે છે. હાલમાં, શહેર દિવસના તાપમાનમાં ભારે વધારો અનુભવી રહ્યું છે. તેથી, અનામત જથ્થો અપેક્ષા કરતા વધુ ઝડપથી ઘટવાની શક્યતા છે. ગયા વર્ષે, આવી જ પરિસ્થિતિને કારણે મે મહિનામાં પાણી કાપ લાદવાની ફરજ પડી હતી, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યારે તાત્કાલિક પાણી કાપની જાહેરાત કરવામાં આવી નથી, અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પાણી વ્યવસ્થાપન માટે જવાબદાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના હાઇડ્રોલિક વિભાગે હજુ સુધી પ્રતિબંધો સૂચવ્યા નથી. નોંધનીય છે કે, તળાવોના સ્તરમાં દર 1 ટકાનો ઘટાડો શહેર માટે બે થી ત્રણ દિવસના પાણી પુરવઠા સમાન છે.
સુધરાઈના રેકોર્ડ મુજબ, ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ મુંબઈનો પાણીનો જથ્થો 45.12 ટકા હતો, જે 2023માં તે જ દિવસે 50.25 ટકા હતો. શહેર સાત તળાવો – તાનસા, ભાતસા, તુલસી, વિહાર, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને મોડક સાગરમાંથી પાણી મેળવે છે. આમાંથી ફક્ત તુલસી અને વિહાર મુંબઈની અંદર છે, બાકીના તળાવો પાલઘર, થાણે અને નાસિક જિલ્લામાં આવેલા છે.